સંતરામ મંદિરમાં 1000 મણ સાકરની ઉછામણી

ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પવિત્ર અવસરે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 195મો સમાધિ મહોત્સવ અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો.જેના…

ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પવિત્ર અવસરે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 195મો સમાધિ મહોત્સવ અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો.જેના પગલે નડિયાદ શહેરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. ભક્તોના ’જય મહારાજ’ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ દિવ્ય અને મંગલમય બન્યું હતું.

વર્તમાન મહંત રામદાસજી મહારાજ દ્વારા અન્ય સંતોની ગરિમામય ઉપસ્થિતિમાં સંતરામ મહારાજના સમાધિ સ્થાને વિધિવત આરતી કરવામાં આવી હતી. આ મંગલ આરતી સાથે જ ઉત્સવનો વિધિવત પ્રારંભ થયો હતો. જેમાં સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહંત પૂજ્ય રામદાસજી મહારાજે ’સાકર વર્ષા’ની મંગલ શરૂૂઆત કરાવી હતી. જે બાદ મંદિરના શિખરો અને પરિસરના ઉચ્ચ સ્થાનો પરથી સેવકો દ્વારા આશરે 1000 મણ સાકર અને 500 કિલો સૂકા ટોપરાના ટૂકડાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ દિવ્ય શ્વેત વર્ષાને કારણે સમગ્ર મંદિરનું પ્રાંગણ જાણે સફેદ ચાદરથી ઓઢાયેલું હોય તેવો મંત્રમુગ્ધ કરી દેતો અલૌકિક નજારો સર્જાયો હતો. ભક્તો માટે આ દ્રશ્ય અવિસ્મરણીય બની રહ્યું હતું.

’સાકર વર્ષા’ના પ્રસાદને ઝીલવા માટે મોટી સંખ્યામાં મંદિર પટાંગણમાં ભક્તો ઉમટી પડ્યા હતા. એવું માનવામાં આવે છે કે, આ સાકર વર્ષાનો પ્રસાદ ગ્રહણ કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ચરોતર પંથક ઉપરાંત પંચમહાલમાંથી હજારો ભક્તો પગપાળા ચાલીને સંતરામ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. નડિયાદ જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ભક્તોને કોઈ અગવડ ના પડે, તે માટે એસ.ટી દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *