સરકારી જમીનમાં ઉભેલી પાંચ સોસાયટીના 1358 પરિવારોના જીવ પડીકે બંધાયા
દાયકાઓથી રહેતા લોકોમાં બુલડોઝર ત્રાટકવાનો ભય, ભાડાના મકાનો શોધવા રઝળપાટ
લઘુમતી અને ગરીબ વર્ગના લોકોને કોઇ મકાન ભાડે આપવા તૈયાર નથી, ભાડામાં ડબલ-ત્રબલ વધારો
કામ-ધંધા મૂકી મકાનો શોધવા રઝળપાટ, સતત ચિંતા અને ફફડાટ વચ્ચે પસાર થતા દિવસો
રાજકોટના આજી વસાહત નજીક આજી નદીના કાંઠે એક લાખ ચોરસ મીટરથી વધુ સરકારી જમીનમાં છેલ્લા ચાર-પાંચ દાયકાથી ઉભેલી જંગલેશ્ર્વર સહિતની પાંચ સોસાયટીઓના 1358 જેટલા રહેણાંક દબાણો દુર કરવા કલેક્ટરતંત્ર દ્વારા નોટિસો આપવામાં આવતા આ વિસ્તારમાં વર્ષોથી રહેતા લોકોમાં ભારે ફફડાટ સાથે ચિંતાની લાગણી જન્મી છે અને કલેક્ટરતંત્ર ડિમોલિશન શરૂ કરે તે પહેલા આ વિસ્તારના લોકોએ અન્ય રહેવાની વ્યવસ્થા શોધવાનુ શરૂ કરી દીધુ છે અને જંગલેશ્ર્વર સહિતની સોસાયટીઓમાંથી રોક્કળ સાથે રહેવાસીઓએ સ્થળાંતર શરૂ કરી દીધુ છે.
જે લોકોને અન્ય વિસ્તારોમાં ભાડાના મકાનોની વ્યવસ્થા થઇ રહી છે. તે સ્થળાંતર કરી રહ્યા છે પરંતુ મોટાભાગના લોકો પછતા એ લઘુમતી સમાજના ગરીબવર્ગના હોવાથી તેમને કોઇ મકાન આપવા તૈયાર નથી અને જો કોઇ જગ્યાએ મકાન મળે છે તો ડબલ-ત્રબલ ભાડુ માંગવામાં આવે છે. લઘુમતીઓે અશાંતધારાનો કાયદો પણ નડી રહ્યો છે.
જાન્યુઆરીએ જંગલેશ્વરના ઘરમાંથી પોતાની ઘરવખરી વાહનમાં ભરી રહેલો સલીમભાઈનો પરિવાર રાજકોટ શહેરમાં આજી નદી અને ખોખડદડી નદીના પશ્ચિમ કાંઠે આવેલા જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, નાળોદાનગર, સિદ્ધાર્થનગર વગેરે વિસ્તારોમાં આવેલા 1358 મકાનધારકોને સરકારે 27 જાન્યુઆરીના રોજ છેલ્લી ડિમોલીશનની અંતિમ નોટિસ આપી છે.
મામતલદાર દ્વારા મકાનધારકોને અપાયેલી નોટિસોમાં જણાવાયું છે કે, આપે સરકારની માલિકીની/હસ્તકની જમીનમાં બિનઅધિકૃત કબજો/અડચણ/બાંધકામ/પેશકદમી કરી ગેરકાયદેસર દબાણ કરેલ છે. આથી આ નોટિસ મળ્યાથી દિન-7 (સાત)માં સદરહુ જમીન છોડી દેવી અન્યથા આપને આ જમીન પરથી ખસેડવામાં આવશે, જેની તમામ જવાબદારી આપની રહેશે જેની નોંધ લેશો.
સરકારે ગયા ડિસેમ્બરમાં પણ આ 1358 મકાનધારકોને નોટિસો ફટકારી તેમનાં મકાનો જે જમીન પર ઊભાં છે તેની માલિકી મકાનધારકની હોય તો તેને સાબિત કરવા માટે જરૂૂરી આધાર-પુરાવા રજૂ કરવા કહ્યું હતું.
મોટા ભાગના મકાનધારકોએ જણાવ્યું કે તેઓ આ જમીન પર લાંબા સમયથી રહે છે તે સાબિત કરવા માટે વીજળીનાં બિલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાને ભરેલા વેરાની પહોંચો રજૂ કરી હતી. તો કેટલાકે જમીન કે મકાન ખરીદ્યાના ત્રાહિત પક્ષો સાથે કરેલા કરારખત રજૂ કર્યા હતા. રહીશોનું કહેવું છે કે સરકારે તે માન્ય ન રાખી હવે જમીન ખાલી કરવાના આદેશ આપ્યા છે.
27 જાન્યુઆરીની નોટિસ બાદ જંગલેશ્વરમાં રહેતા અને શાળા ચલાવતા ઇરફાનભાઈ કુરેશી અને અન્ય કેટલાક લોકો આ નોટિસ સામે સ્ટે મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. બીજી તરફ કેટલાક લોકોએ નોટિસ માળ્યાના એક દિવસ બાદ પોતાની ઘરવખરી ન્યત્ર ખસેડવાનું ચાલુ કરી દીધું હતું.
જંગલેશ્વરમાં રહેતા સાહિલભાઈ નામની એક 30 વર્ષીય વ્યક્તિએ મકાનમાંથી સમાન ખાલી કરતા કરતા જણાવ્યું કે તેમના દાદાના વખતથી તેમનો પરિવાર એ મકાનમાં રહેતો હતો, પરંતુ હવે તેમને ભય છે કે તેમનું મકાન તોડી પાડવામાં આવશે. સાહિલભાઈએ કહ્યું, મને અગાઉ એક નોટિસ આપી (કહેવામાં આવ્યું કે) તમારી પાસે જે પુરાવા છે તે દર્શાવો. અમે વેરા બિલ અને લાઇટબિલ દર્શાવ્યાં. બીજું તો કશું અમારી પાસે છે નહીં. ત્યાર પછી ગઈ કાલે (મંગળવારે) અમને બીજી નોટિસ આપી કે તમે સાત દિવસમાં ખાલી કરી નાખજો અને જો ખાલી નહીં કરો તો તમારા ભરેલા કબજે પણ અમે ડિમોલિશન કરી નાખશું.
હવે મકાન શોધીએ છીએ પણ મકાન ક્યાંય મળતા નથી. અશાંતધારો છે… ભાડે ગોતવા જઈએ છીએ પણ ભાડે ક્યાંય મકાન નથી મળતું. બીજો પ્રશ્ન એ કે ભાડું અત્યારે ડબલ થઈ ગયું છે. હવે અમારે ભાડાં ભરવાં કે છોકરાં-પરિવારને સાચવવાં? અત્યારે તો સગાંવહાલાં બધાએ કહ્યું છે કે થોડો-થોડો સમાન નાખી જાઓ. ખોખડદડીને કાંઠે આવેલા નાળોદાનગરમાં રહેતા અને શાકભાજી વેચતા બકુલભાઈ દાવો કરે છે કે તેમનો પરિવાર 40 વર્ષથી ત્યાં રહે છે. બકુલભાઈએ કહ્યું, અત્યારે સરકાર હવે કહે છે કે ખાલી કરો, ખાલી કરો. પણ, ખાલી કરીને અમે જઈ તો ક્યાં જઈ? અમે અહીં રહીએ છીએ અને અને અહીં જ રહેવા દો. અને જો અત્યારે તાત્કાલિક ભાડે ગોતવા જઈ તો પાંચ હાજર ભાડું હોય તેની જગ્યાએ કહે છે કે દસ હજાર ભાડું. અને ભાડું દેતાં છતાં અમને દેવીપૂજકને એમ કહે છે કે તમને મકાન નહીં મળે… માંડમાંડ કરીને મકાન બનાવ્યાં હોય અને આ સરકાર આવીને મકાન પાડી નાખે તો અમારે જાવું ક્યાં?
આ વિસ્તારના આગેવાનો કહે છે કે, અહીં કોઈ છૂટક મજૂરી કરે છે, કોઈ શાકભાજી-ફળ વેચે છે તો કોઈ ઘરકામ કરે છે. જંગલેશ્વર વિસ્તારમાં મુસ્લિમોનાં મકાન વધારે છે, પરંતુ નજીકના અન્ય વિસ્તારોમાં હિંદુઓનાં મકાન વધારે છે. જે 1358 લોકોને નોટિસો અપાઈ છે, તેમાંથી લગભગ 70 ટકા હિંદુ છે અને માત્ર 30 ટકા જ મુસ્લિમ છે, પરંતુ બધે જાહેર એવું કરવામાં આવે છે કે જંગલેશ્વરમાં નોટિસો અપાઈ. બીજા વિસ્તારની કોઈ ચર્ચા કરતું નથી.
એક લાખ ચો.મી. જમીન ઉપર દબાણ
રાજકોટ શહેર (પૂર્વ) મામલતદાર નીલેશ અજમેરાએ જણાવ્યું કે જે મકાનોને નોટિસ પાઠવામાં આવી છે તે રાજકોટની ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમ નંબર-6ના 133, 134, 137 અને 159 નંબરના ફાઇનલ પ્લોટમાં આવેલી છે. રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ અનુસાર રાજ્ય સરકારે આ ટીપી સ્કીમને 29 જૂન, 1995ના રોજ મંજૂર કરી હતી. આ ટીપી સ્કીમમાં ફાઇનલ પ્લોટ નંબર 133, 134, 137 અને 159ને અનામત જાહેર કરી તેની માલિકી રાજ્ય સરકારની ઠરાવવામાં આવી હતી. પ્લોટ નંબર 133, 134 અને 137 જંગલેશ્વર મેઇન રોડની પશ્ચિમે આવેલા છે. જંગલેશ્વર નજીક ખોખડદડી અને આજી નદીઓનો સંગમ થાય છે. આ નદીઓના કાંઠે લાંબા પટ્ટા સ્વરૂૂપે રહેલી જગ્યાને ટીપી સ્કીમના નકશામાં ફાઇનલ પ્લોટ નંબર 159 તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ ચારેય પ્લોટનું કુલ ક્ષેત્રફળ 1,05,800 ચોરસ મીટર કરતાં પણ વધારે થાય છે. ત્રીસ વર્ષથી વધારે લાંબા સમય બાદ સરકાર આ જમીન પરનાં કથિત અનઅધિકૃત મકાનો કેમ દૂર કરવા માગે છે તેવા બીબીસીના સવાલના જવાબમાં મામલતદારે કહ્યું, આ સરકારી જમીન છે અને વિવિધ પ્રોજેક્ટ માટે જમીન ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દબાણ હઠાવવાની કામગીરી હાથ ધરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા પણ આ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે.
10 સભ્યોનો પરિવાર છે, કોઇ મકાન આપતુ નથી, જવું કયાં?
નાળોદાનગરની બાજુમાં સિદ્ધાર્થનગરમાં રહેતાં અને પશુપાલન કરી દૂધ વેચતાં રજુબહેને પણ કહ્યું કે સાત દિવસની અંતિમ નોટિસ મળતા 10 સભ્યોના તેમના પરિવારનું શું થશે તે બાબતની ચિંતા છે. રજુબહેને કહ્યું, અમારે જાવું ક્યાં? સાત દિવસનો ટાઇમ લખી ગયા, સાત દિવસમાં ભેગું થાય અમારે? ઝાઝો, ચાર -છ મહિનાનો ટાઇમ દ્યો. અમે પિસ્તાલીસ વર્ષથી રહીએ છીએ, અમારી પાસે બધા કાગળિયા છે, ફાઇલું છે. નાના છોકરા હેરાન થાય છે. કોઈ મકાન નથી દેતું અમને… મકાન ઘેરો એક માણસને (મોટો પરિવાર) દે? બીમારીના ખાટલા હોય, છોકરા નાના હોય, ભરવાડને સાવ નથી દેતા. આ ત્રણ દિવસથી દોડીએ છીએ.
