સુરતમાં 21 કરોડનાં કામમાં માત્ર 30 ટકા સિમેન્ટ વપરાયાનો ઘટસ્ફોટ
સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના હવે ભ્રષ્ટાચારના સૌથી મોટા પુરાવા તરીકે સામે આવી છે. 21 કરોડ રૂૂપિયાના ખર્ચે બનાવાયેલી આ ટાંકી 19 જાન્યુઆરીએ અડધી ભરાતાં જ તૂટી પડી હતી. આ ગંભીર દુર્ઘટનાની તપાસમાં દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ SVNIT અને GERI દ્વારા તૈયાર કરાયેલા લેબોરેટરી રિપોર્ટોએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
બંને સંસ્થાઓના રિપોર્ટ અનુસાર ટાંકીના બાંધકામમાંથી લેવામાં આવેલા તમામ 13 સેમ્પલ નિર્ધારિત ધોરણોમાં નિષ્ફળ સાબિત થયા છે. M30 ગ્રેડ હોવું જોઈએ તેવા કોંક્રિટમાં જરૂૂરી મજબૂતીનો અભાવ જોવા મળ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ટાંકીના પાયાના બાંધકામમાં માત્ર 30 ટકા જેટલું સિમેન્ટ વપરાયું હતું, જે સરકારી બાંધકામની ગંભીર બેદરકારી દર્શાવે છે.
GERI દ્વારા તપાસવામાં આવેલા સાત સેમ્પલમાં કોંક્રિટની મજબૂતી 30ની જગ્યાએ માત્ર 15 આસપાસ નોંધાઈ છે. આથી બાંધકામમાં વપરાયેલું મટીરિયલ લગભગ 45થી 50 ટકા નબળું હોવાનું સાબિત થયું છે. ખાસ કરીને પાયાના ભાગમાંથી લેવાયેલા S-4થી S-7 સેમ્પલમાં લક્ષ્યાંક સામે 70 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે, જે ટાંકી તૂટી પડવાનું મુખ્ય કારણ બન્યું.
SVNIT દ્વારા તપાસવામાં આવેલા છ સેમ્પલમાં પણ ગંભીર ખામીઓ મળી આવી છે. અનેક સેમ્પલમાં કોંક્રિટની મજબૂતી 60 ટકા કરતાં ઓછી હોવાનું નોંધાયું છે, જે પાણીની ટાંકી જેવા મહત્વના માળખા માટે અત્યંત જોખમી ગણાય છે. આ તમામ આંકડા સ્પષ્ટ કરે છે કે બાંધકામ દરમિયાન ગુણવત્તા સાથે ગંભીર સમજૂતી કરવામાં આવી હતી.
રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે ટાંકીમાં વપરાયેલું સ્ટીલ ગુણવત્તામાં યોગ્ય હતું, પરંતુ નબળા કોંક્રિટના કારણે સ્ટીલને જરૂૂરી પકડ મળી નહોતી. પરિણામે પાણી ભરાતાં જ આખું માળખું ભાર સહન કરી શક્યું નહીં અને ધરાશાયી થઈ ગયું.
હાલમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ સંબંધિત રિપોર્ટ રજૂ થયો છે, જ્યારે જમીનની સ્થિતિ અંગે સોઈલ ટેસ્ટ ચાલી રહ્યો છે. આ રિપોર્ટ બાદ અંતિમ તારણ આપવામાં આવશે. જોકે હાલના ખુલાસાઓએ સરકારી બાંધકામમાં થયેલા આયોજનબદ્ધ ભ્રષ્ટાચાર તરફ સીધો સંકેત આપ્યો છે.
આ બંને સંસ્થાઓના રિપોર્ટ હવે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટર, દેખરેખ રાખનારા એન્જિનિયર અને મટીરિયલ સપ્લાયર સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે. તડકેશ્વર પાણીની ટાંકીનો કેસ હવે સમગ્ર પંથકમાં ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયો છે.
