વચ્ચે પડેલા યુવકને ગંભીર ઈજા, ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી અટકાયત
જામનગર શહેરમાં દિવાળી જેવા સપરમાં તહેવારના દિવસોમાં હત્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં અંધ આશ્રમ આવાસ કોલોની ના રહેણાક વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક યુવાન પર પાડોશમાં જ રહેતા પિતા પુત્ર અને તેના સાળા ત્રણેય એ એક સંપ કરી યુવાનની હત્યા નિપજાવી હતી.
આ વેળાએ વચ્ચે છોડાવવા પડેલા એક યુવાનને પણ છરીના બે ઘા વાગ્યા છે, અને તે હાલ સારવાર હેઠળ છે. પોલીસે મૃતક યુવાન ના પુત્રની ફરિયાદના આધારે હત્યા અંગેનો અપરાધ નોંધી ત્રણેય હત્યારા આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને હત્યામાં વપરાયેલી છરી કબજે કરી છે.
આ હત્યા કેસના બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધ આશ્રમ આવાસ કોલોનીના બ્લોક નંબર 26 માં રહેતા મુકેશભાઈ ઉર્ફે કાનાભાઈ કાપડી નામના 38 વર્ષના બાવાજી યુવાન પોતાના પુત્ર સાગરને સાથે રાખીને નીચે ફટાકડા ફોડી રહ્યા હતા. જે દરમિયાન તેના પાડોશમાં જ રહેતા મિલન રમેશભાઈ ગુજરીયા સાથે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી. જે દરમિયાન મિલન ના પિતા રમેશભાઈ ગુજરીયા અને મિલનના મામા અજય બાબુભાઈ કોળી કે જેઓ પણ ત્યાં દોડી આવ્યા હતા, અને સૌ પ્રથમ મુકેશ ઉર્ફે કાનાભાઈ પર ઝાપટ વાળી કરીને મારકુટ કરી હતી, ત્યારે મુકેશભાઈએ દિવાળીના તહેવારમાં માથાકૂટ નહીં કરવા, અને સમજાવવા જતાં ત્રણેય આરોપીઓ વધુ ઉશકેરાયા હતા, અને મુકેશભાઈ ના પડખામાં છરીનો ઘા જીકી દેતાં બેશુદ્ધ થઈને નીચે ઢળી પડ્યા હતા, અને તેનો પ્રાણ પંખેરૂૂં ઉડી જતાં આ બનાવ હત્યા માં પલટાયો હતો.
આ સમયે બચાવવા માટે વચ્ચે પડેલા રવિ દવે નામના યુવાનને પણ ત્રણેય આરોપીઓએ મારફૂટ કરી હતી, જેને પણ છરીના બે ઘા વાગ્યા હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડતો થયો હતો, અને સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની ફેલાઈ હતી. આ હત્યાના બનાવ અંગે મૃતક મુકેશભાઈ ઉર્ફે કાનાભાઈ કાપડી ના પુત્ર સાગર કાપડી એ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પિતાની હત્યા નીપજાવવા અંગે તેમ જ રવિ દવે ઉપર હુમલો કરવા અંગે પાડોશી મિલન રમેશભાઈ ગુજરીયા, તેના પિતા રમેશભાઈ ગુજરીયા, અને મિલનના મામા અજય બાબુલાલ કોળી સામે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં પોલીસે ત્રણેય સામે હત્યા અંગેનો ગુન્હો નોંધ્યો હતો, અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેઓ પાસેથી હત્યા માં વપરાયેલી છરી પણ કબજે કરી લેવામાં આવી છે.
