જૂનાગઢ તાલુકાના જામકામાં રહેતા એક યુવાનને જૂનાગઢમાં મિત્ર સાથે મજાક-મજાકમાં બોલાચાલી થતાં મિત્રએ ઉશ્કેરાઈ જઈ છરી ઝીંકી દેતાં ઘાયલ યુવકનું રાજકોટ સારવાર દરમ્યાન મોત થયું હતું. પહેલા તો યુવકના મિત્રોએ પડી જવાથી ઈજા થયાનું રટણ કર્યું હતું પરંતુ ફોરેન્સિક પીએમમાં થાપાના ભાગે છરીનો ઘા જીવલેણ સાબિત થયાનું સામે આવ્યું હતું.
જામકામાં રહેતો રાશીષ ઉર્ફે ભયુ હરસુખભાઈ સોલંકી (ઉ.વ.19) તા.1ના રાતના પોતાના ઘરેથી બોટાદ લાઈટ ડેકોરેશનના કામે જવાનું કહીને નીકળ્યો હતો. બાદમાં તે વિસાવદર રહેતા સંબંધી રવિ સોલંકીના ઘરે ગયો હતો. ત્યાં જમ્યો હતો. રાશીષ રવિ સોલંકી તથા અન્ય સાથે તેની કારમાં જૂનાગઢ આવ્યો હતો ત્યારે રોનક ચૌધરી, મિત સોલંકી, હર્ષદ સોલંકી કડીયાવાડમાં ગયા હતા. ત્યાં બેઠા હતા એ દરમ્યાન રાશીષ અને રોનક ચૌધરી વચ્ચે મજાક-મજાકમાં બોલાચાલી થઈ હતી આથી રોનક ચૌધરીએ ઉશ્કેરાઈ જઈ રાશીષના થાપાના ભાગે છરી ઝીંકી દીધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાશીષને તેના મિત્ર સારવારમાં લઈ ગયા હતા ત્યારે રોનક ચૌધરીએ તેના મિત્રોને છરી ઝીંકી છે એ બાબત કોઈને કરતા નહી નહીતર તમને બધાને તકલીફ પડશે એવી ધમકી આપી હતી. મિત્રોએ પડી જવાથી વાગી ગયાનું રટણ કર્યું હતું.
સિવીલમાં દાખલ થતા રાશીષને વધુ સારવારની જરૂૂર હોવાનું જણાતા તેને રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બાબત શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં થાપાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઈજા થયાનું સામે આવ્યું હતું. થાપાના ભાગે થયેલી ઈજા જીવલેણ સાબિત થઈ હતી.
રાજકોટ પોલીસે આ અંગે જાણ કરતા જૂનાગઢ પોલીસે તપાસ શરૂૂ કરી હતી. રાશીષ સાથે રહેલા તેના મિત્રોના સીડીઆર અંગે તપાસ કરી પૂછપરછ કરી હતી. આ દરમ્યાન રાશીષની અંતિમ વિધીમાં તેના મિત્રો ગયા ત્યારે તેઓએ તેના બહેનને આ અંગેની વાત કરી હતી જેથી પોલીસે રોનક ચૌધરી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ અંગે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, રાશીષની હત્યા મામલે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી રોનક ચૌધરીને રાઉન્ડઅપ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
