વાંકિયા ગામ પાસે ભીમનાથ મહાદેવ મંદિર સામે સર્જાયો અકસ્માત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં વાંકીયા ગામથી થોડે આગળ ભીમનાથ મહાદેવ મંદિર સામે સિંગલ પટ્ટી રોડ પર બાઈક આડે ભૂંડ ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાઓના કારણે 24 વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મોરાર સાહેબના ખંભાળીડા ગામમાં રહેતા ઘનશ્યામસિંહ રવુભા જાડેજાના પુત્ર દશરથસિંહ જાડેજા (ઉંમર 24) ધ્રોલની બંધન બેંકમાં નોકરી પૂર્ણ કરીને પોતાની મોટરસાઇકલ નંબર જીજે-10-ડીબી-3792 પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તા. 26 સપ્ટેમ્બરના રોજ સાંજના આશરે 7:30 વાગ્યાના અરસામાં વાંકીયા ગામથી થોડે આગળ ભીમનાથ મહાદેવ મંદિર સામેના રોડ પર અચાનક બાઈક આડે ભૂંડ ઉતરી આવતાં મોટરસાઇકલ સ્લીપ થઈ ગઈ હતી અને દશરથસિંહ રોડ પર પટકાયા હતા.
આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ શરીરે છોલછાલ થઈ હતી. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મરણ જનારના પિતા ઘનશ્યામસિંહ રવુભા જાડેજા (ઉંમર 68, વ્યવસાયે ખેડૂત) દ્વારા તા. 19 ઑક્ટોબર, 2026ના રોજ બપોરે 12:10 વાગ્યે ધ્રોલ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 194 મુજબ અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ ધ્રોલ પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.કે. દલસાણિયા ચલાવી રહ્યા છે.
