જામનગરના દરેડ વિસ્તારમાં ઉછીના રૂૂપિયા આપવાનો ઇનકાર કરનાર 28 વર્ષીય યુવકને તેના જ મિત્રોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે ચાર શખ્સો સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ મૂળ બિહારના પટના જિલ્લાના વતની અને હાલ દરેડમાં મજૂરી કામ કરતા સુગ્રીમકુમાર વર્માના સાળા સૂર્યકાન્ત ઉર્ફે સુર્યા બિટેશ્વર પ્રસાદ (ઉ.વ.28) દરેડમાં રહી મજૂરી કરતા હતા. તા.24 સપ્ટેમ્બરની રાત્રે આશરે નવ વાગ્યાના અરસામાં તેઓ દરેડમાં વાછરા દાદાના મંદિર પાસે આવેલા સ્મશાનમાં પોતાના મિત્રો સાથે બેઠા હતા. દરમિયાન સૂર્યકાન્તના મિત્ર વિમલ પરમારે તેની પાસે ઉછીના રૂૂપિયા માંગ્યા હતા. જોકે, સૂર્યકાન્તે રૂૂપિયા આપવાનો ઇનકાર કરતાં વિમલ પરમાર, ખોડાભાઈ ઉર્ફે ખોલુ અને વિક્રમ ઉર્ફે રાધે સહિતના ત્રણ શખ્સોએ મળી સૂર્યકાન્તને લાકડાના ધોકા તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ત્યાં આવેલા રવીરાજસિંહ કંચવાએ પણ સૂર્યકાન્તને ઢીકાપાટુનો માર માર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
ચારેય શખ્સોએ ગંભીર માર માર્યા બાદ સૂર્યકાન્તને ત્યાં જ છોડી જતા રહ્યા હતા. બીજા દિવસે પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેને સ્મશાનમાંથી લઈ આવી રહેણાકના સ્થળે લાવવામાં આવ્યો હતો. સૂર્યકાન્તે પરિવારજનોને તેની સાથે બનેલી ઘટનાની વાત પણ કરી હતી. ગંભીર હાલત હોવાથી તેને પ્રથમ દરેડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. જોકે, તબિયતમાં સુધારો નહીં થતાં બાદમાં 108 મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સૂર્યકાન્તનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કોલ્ડરૂૂમમાં રાખ્યો હતો. આ બનાવ અંગે ફરિયાદીના નિવેદનના આધારે વિમલ પરમાર, ખોડાભાઈ ઉર્ફે ખોલુ, વિક્રમ ઉર્ફે રાધે અને રવીરાજસિંહ કંચવા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 3(5) તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
