પોતાની નિષ્ફળતા પાડોશી દેશો પર ઠોકી બેસાડવામાં પાક. માહિર
સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ પર ખુલ્લું પાડ્યું છે. ભારતે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાનની સરકાર અને ત્યાંની સેના પોતાના દેશમાં એક નફરતની ફેક્ટરી ચલાવી રહી છે. પાકિસ્તાન પોતાના નાગરિકોને ભારત સામે ભડકાવવા અને તેમની અંદર કાયમી દુશ્મનાવટની ભાવના જગાડવા માટે ધાર્મિક શબ્દોનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, પોતાની નિષ્ફળતાઓ માટે પડોશી દેશો પર દોષારોપણ કરવું એ પાકિસ્તાનની જૂની આદત છે અને વિશ્વને ગેરમાર્ગે દોરવાનો તેનો આ પ્રયાસ ક્યારેય સફળ નહીં થાય.
પી. હરીશે સુરક્ષા પરિષદમાં ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાન પોતાની સરકારી એજન્સીઓને પોતાના જ દેશની અંદર સક્રિય જૂથોને ’ફિત્ના અલ હિન્દુસ્તાન’ તરીકે ઓળખાવવા આદેશ આપી રહ્યું છે. ’ફિત્ના’ એ એક અરબી ધાર્મિક શબ્દ છે જેનો અર્થ દેશદ્રોહ અથવા મૂર્તિપૂજા તરીકે થાય છે. ભારતે આક્ષેપ કર્યો છે કે આ બીજું કંઈ નહીં પરંતુ ધાર્મિક શબ્દોની આડમાં પાકિસ્તાન સરકાર દ્વારા સત્તાવાર રીતે ફેલાવવામાં આવતી ગેરમાર્ગે દોરનારી માહિતી અને દુષ્પ્રચાર છે.
ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનની સેના અને તેની ગુપ્તચર સંસ્થાઓ (ડીપ સ્ટેટ) પર નિશાન સાધતા કહ્યું કે, આ બધું પાકિસ્તાનની નફરતની ફેક્ટરીનું પરિણામ છે. આ વ્યૂહનીતિ પાછળનો મુખ્ય હેતુ પાકિસ્તાનના નાગરિકોને ભારત સામે સતત દુશ્મનાવટની સ્થિતિમાં રાખવાનો છે, જેથી ત્યાંની સેના સત્તા પર પોતાનો કબજો જાળવી રાખે અને દેશના રાષ્ટ્રીય સંસાધનો પર પોતાનું નિયંત્રણ રાખી શકે. આમ કરીને તેઓ પાકિસ્તાનની જનતાનું ધ્યાન દેશની મુખ્ય રાજકીય અને આર્થિક સમસ્યાઓ પરથી ભટકાવવા માંગે છે.
