સમાધાન માટે મૃતકની સાથે ગયેલા બે મિત્રોની હાલત પણ ગંભીર, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
બોટાદ શહેરમાં ખસ રોડ વિસ્તારમાં શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર થયેલા ચેટના વિવાદને લઈને સમાધાન માટે બોલાવાયેલા યુવકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવતા એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવક ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, હરપાલ રવુભાઈ ખાચર, અક્ષય રાજુભાઈ ખાચર અને સતુ વલકુભાઈ બોરીચા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હરપાલ ખાચરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અક્ષય ખાચરને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે, જ્યારે સતુ બોરીચાની સારવાર બોટાદમાં ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસકાફલો હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીને મોકલાયેલા રિક્વેસ્ટ મેસેજના મુદ્દે વિવાદ સર્જાયો હતો. આ બાબતે યુવતીના ભાઈ અને તેના સાગરિતોએ સમાધાનના બહાને યુવકોને બોલાવી તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સઘન શોધખોળ શરૂૂ કરી છે. બનાવ પાછળના અન્ય કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનામાં પોલીસ સુત્રોમાંથી માહિતી મળ્યા મુજબ ચાર આરોપીઓમાંથી એક આરોપીની ઓળખ થઇ ગઇ છે અને ફરાર થયેલા આરોપીઓને પકડી લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે.
