રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું હતું. જામનગર રોડ પર ઘંટેશ્ર્વર કવાર્ટરમાં રહેતો યુવાન સુતા બાદ ઉઠયો જ ન હતો. બેભાન હાલતમાં તેને સારવાર માટે ખસેડવામાં આવતાં હાર્ટએટેકથી મોત નિપજ્યાનું જાહેર કરવામાં આવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પચ્ચીસ વારીયા કવાર્ટરમાં રહેતો અને મજુરી કામ કરતો જીતુ સુકતાભાઈ (ઉ.40) નામનો યુવાન ગઈકાલે રાત્રે પોતાના ઘરે સુતા બાદ સવારે પરિવારજનો દ્વારા તેને જગાડવામાં આવતાં તે ઉઠતો ન હોય જેથી બેભાન હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા જોઈ તપાસી હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજા બનાવમાં રામાપીર ચોકડી પાસે આવેલી લાભદીપ સોસાયટીમાં રહેતી કોમલ સુરેશભાઈ સગર (ઉ.27) નામની યુવતી માનસિક બિમારીના કારણે બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેને નાનપણથી જ બિમાર હોવાનું જાણવા મળ્યું છે.
