વાંકાનેરના જાલીડા ગામે કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક યુવકને હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના જાલીડા ગામે કારખાનામાં કામ કરતા પોપીન્દ્ર ભોરસિંગ નામનો 43 વર્ષનો યુવાન રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં કારખાનામાં હતો. ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે યુવકનું હૃદય રોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ઉત્તર પ્રદેશનો વતની હતો અને તેનું હદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
