રાપરમાં સામાન્ય બાબતે બે જણે તિક્ષ્ણ હથિયારના ઘા મારી દયાલ બળદેવ કોળી (ઉ.વ.23)ની હત્યા નીપજાવી હોવાની વિગતો સાંપડી હતી. આ બનાવનાં પગલે પોલીસ બેડામાં દોડધામ મચી હતી. બહાર આવેલી વિગતો અનુસાર ત્રિકમનગરથી ત્રિકમ સાહેબના વિરડા તરફ માર્ગ ઉપર આજે સાંજે સાત વાગ્યાના અરસામાં હત્યાનો બનાવ બન્યો હતો. બે આરોપીએ મામલતદાર કચેરી પાસે રહેતા દયાલ નામના યુવાનને પેટના ભાગે છરીનો ઘા માર્યો હતો.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ યુવાનને સારવાર કારગત નીવડે, તે પહેલા તેમણે આંખો મીંચી લેતાં પરિવારમાં ગમગીની પ્રસરી હતી. હત્યાના બનાવને લઈને રાપર પી.આઈ. જે.બી. બબુડિયા, પી.એસ.આઈ. પી.એલ. ફણેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આરોપી દિનેશ તરસી કોળી અને પરબત પતા કોળી નામના બે જણે મૃતક ઉપર હુમલો કર્યો હોવાનું પરિવારજનોએ લખાવ્યું હોવાનું પોલીસે પ્રાથમિક નોંધને ટાંકીને જણાવ્યું હતું.
આ યુવાનની કયા કારણોસર હત્યા નીપજાવવામાં આવી હશે વિગેરે વિગતો જાણવા પોલીસે વ્યાયામ આદર્યો છે. પોલીસે વિધિવત રીતે ફરિયાદ નોંધવા સાથે આ ગુનામાં સામેલ તહોમતદારોને પકડી પાડવા સહિત વધુ છાનબીન આરંભી છે.
