રાજકોટ શહેરના દારૂની પરમિટ આપવા અને પાછી લઈ લેવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ મોટું અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ રાજકોટના અમરનગરમાં ભાડે રહીને મજૂરી કામ કરતા 42 વર્ષીય સુરેન્દ્ર રામજતન બિંદ નામના વ્યક્તિ પર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હિંસક ઘટના અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં કિશન મેવાડા અને દિપક આહિર નામના બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની વિગત મુજબ, ફરિયાદી સુરેન્દ્ર પાસે દારૂની કાયદેસરની પરમિટ હોવાથી આરોપી કિશન મેવાડાએ તે પરમિટ તેની પાસે માંગી હતી.
ફરિયાદીએ પ્રથમ પરમિટ આપી દીધી હતી, પરંતુ બાદમાં પોતાના સગાને જરૂર હોવાથી તે પરમિટ કિશન પાસેથી પાછી લઈ લીધી હતી. આ વાતની અદાવત રાખીને કિશને ફરિયાદી સાથે ઝઘડો કરીને લાફો માર્યો હતો, જેના જવાબમાં ફરિયાદીએ પણ વળતો લાફો માર્યો હતો. આ વિવાદનો અંત લાવવા માટે તારીખ 27 મે 2026ના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે કિશને સમાધાન કરવાના બહાને ફરિયાદીને અમરનગર-1, શેરી નંબર 3ના ચોકમાં જાહેર રોડ પર બોલાવ્યો હતો. ફરિયાદી તેના ઉપરના માળે રહેતા સંજયભાઈને સાથે રાખીને ત્યાં પહોંચતા જ કિશન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો.
ઝઘડા દરમિયાન આરોપી કિશને તેના મિત્ર દિપક આહિરને રિક્ષામાંથી લોખંડનો પાઇપ લાવવા કહ્યું હતું. દિપકે પાઇપ લાવી આપતા કિશને ફરિયાદીને પગમાં ફટકો મારી નીચે પાડી દીધો હતો. ત્યારબાદ દિપકે ફરિયાદીના હાથ પકડી રાખ્યા હતા અને કિશને આડેધડ પાઇપના ફટકા માર્યા હતા. આ હુમલામાં ફરિયાદીને ડાબા હાથના કાંડા પર તેમજ કમરના ભાગે ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી અને પેટના ભાગે લોહી નીકળતા ટાંકા આવ્યા હતા. આ દરમિયાન ફરિયાદીનો ભાઈ ધિરજ ત્યાં આવી પહોંચ્યો હતો અને મોબાઈલથી વીડિયો ઉતારવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેનો ફોન આંચકીને જમીન પર ફેંકી તોડી નાખ્યો હતો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
હુમલા બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવતા ફરિયાદીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હુમલાની અસહ્ય પીડાના કારણે ફરિયાદી અગાઉ બોલી શકે તેમ ન હોવાથી, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેમણે તારીખ 5 જૂન 2026ના રોજ માલવીયાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
