ઉપલેટામાં અકસ્માતે ગોડાઉન પરથી પડી જતાં યુવા ઉદ્યોગપતિનું મોત

  કહેવાય છે ને મોત ગમે ત્યારે ગમે ત્યાંથી ટપકી આવે. ધાર્યુ ધણીનું થાય એમ ઘણી વખત લોકોને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય તેવું મોત…

 

કહેવાય છે ને મોત ગમે ત્યારે ગમે ત્યાંથી ટપકી આવે. ધાર્યુ ધણીનું થાય એમ ઘણી વખત લોકોને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય તેવું મોત આવી પડતું હોય છે ત્યારે ઉપલેટાના એક યુવા ઉદ્યોગપતિનું પણ કંઈક આવું જ થયું.

વાત છે ઉપલેટા શહેરના પોરબંદર હાઈવે પર મેખાટીંબી ગામના પાટીયા પાસે આવેલ કુંજબિહારી ઈન્ડસ્ટ્રીઝ નામના યુવા ઉદ્યોગપતિ નિરવકુમાર વિનોદભાઈ ઠુંમર નામના 32 વર્ષીય યુવક પોતાના કારખાનામાં ગોડાઉન પર કડિયા કામ ચાલતું હોય. નીરવકુમાર ઠુમ્મર સાંજના સમયે ઓફિસ બંધ કરી ઘર તરફ જવાની તૈયારી કરી રહ્યા હોય વળી મનમાં વિચાર આવતા તેઓ કડિયા કામ કટલે પહોંચ્યું છે એ જોવા માટે ગોડાઉન ઉપર ચડ્યા હોય જ્યાં અકસ્માતે પગ લપસી જતા ગોડાઉનના પતરા પરથી ઉંધા માથે નીચે પટકાતા માથામાં હેમરેજ થતા ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેમના કાન અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું જેને લઈને ડુમિયાણી ટોલ પ્લાઝા હાઈવેની એમ્બ્યુલન્સમાં પેરા મેડિકલના ડો. કમલેશભાઈ સોલંકી, હેલ્પર મુકેશભાઈ વાળા તથા પાઈલોટ રાહુલ પરમાર દ્વારા પ્રાથમિક સારવાર આપી ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા હોય પરંતુ તેઓ કોટેજ હોસ્ટેલ ખાતે પહોંચે તે પહેલા જ તેમનું દુ:ખદ મૃત્યુ નીપજ્યું હતું જેને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

મૃતક નિરજકુમાર વિનોદભાઈ ઠુંમર ઉપલેટા શહેરના શહીદ અર્જુન રોડ પર સાંઈબાબાના મંદિર પાસે આવેલ ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા હોય. સમાચાર મળતા જ આશાસ્પદ યુવાનના પરિવારજનો અને સગા સંબંધીઓ કોટેજ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં મૃતક નિરવકુમારના પિતા વિનોદભાઈ ઠુંમરને આઘાત લગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમને કોટેજ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી. ઉપલેટા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *