રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી યલો ફીવરની રસીનો જથ્થો ખલાસ થઈ જતાં વિદેશ પ્રવાસે જવા ઈચ્છતા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. આ ગંભીર સમસ્યા અંગે ‘ગુજરાત મિરર’ અખબારમાં વિસ્તારપૂર્વક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલના ઘેરા પ્રત્યાઘાત પડતાં જાગેલા હોસ્પિટલ તંત્ર અને રાજ્યના આરોગ્ય વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યલો ફીવરની રસીનો નવો જથ્થો ઉપલબ્ધ કરાવી દીધો છે, જેના પરિણામે આજથી રસીકરણ પુન: શરૂૂ કરવામાં આવ્યું છે.
આફ્રિકા અને દક્ષિણ અમેરિકા જેવા દેશોમાં પ્રવાસ કરતા મુસાફરો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે ‘યલો ફીવર વેક્સિનેશન સર્ટિફિકેટ’ કાયદાકીય રીતે અનિવાર્ય હોય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ એ માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર માટે દર બુધવારે ચાલતું મુખ્ય રસીકરણ કેન્દ્ર છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ સપ્લાય નેટવર્કમાં અછતને કારણે રસીનો સ્ટોક પૂર્ણ થઈ જતાં જૂનાગઢ, જામનગર, અમરેલી, પોરબંદર અને મોરબી જેવા વિસ્તારોના અરજદારોને ફરજિયાત અમદાવાદના ધક્કા ખાવા પડતા હતા. જેનાથી સમય અને નાણાંનો ભારે વ્યય થતો હતો તેમજ ફ્લાઇટ ટિકિટ અને વિઝા પ્રોસેસિંગમાં વિલંબ થઈ રહ્યો હતો.
અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું ‘ગુજરાત મિરર’માં મુસાફરોની વ્યથા અને હાલાકી અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સિવિલ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આરોગ્ય વિભાગ સમક્ષ તાકીદે રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત જ રાજકોટ ખાતે રસીનો જરૂૂરી પુરવઠો પહોંચતો કર્યો છે. ‘ગુજરાત મિરર’માં પ્રસિદ્ધ થયેલ અહેવાલ બાદ વિદેશ જતા મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે દર બુધવારે નિયમિત રીતે યલો ફીવરની રસી આપવાની કામગીરી આજથી શરૂૂ કરી દેવાઈ છે. જેથી હવે સૌરાષ્ટ્ર-કચ્છના મુસાફરોને રસી માટે અમદાવાદ જવાની જરૂૂર રહેશે નહીં
