યાર્ડ ત્રીજા દિવસે બંધ, 60 કરોડથી વધુના વ્યવહારોને અસર

ત્રણ પેઢી કાચી પડતાં કરોડો ફસાતાં દલાલો-વેપારીઓ હરાજી સહિતની કામગીરીથી દૂર રહ્યા: શાકભાજી વિભાગ સિવાય તમામ વિભાગ બંધ મોરબી રોડ પર બેડી સ્થિત આવેલા માર્કેટીંગ…

ત્રણ પેઢી કાચી પડતાં કરોડો ફસાતાં દલાલો-વેપારીઓ હરાજી સહિતની કામગીરીથી દૂર રહ્યા: શાકભાજી વિભાગ સિવાય તમામ વિભાગ બંધ

મોરબી રોડ પર બેડી સ્થિત આવેલા માર્કેટીંગ યાર્ડમાં ત્રણ પેઢીઓ કાચી પડતાં દલાલો અને વેપારીઓના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે. આ અંગે દલાલ મંડળ દ્વારા ફુલેકુ ફેરવનાર પેઢીના માલીક સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી અને જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી યાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનું એલાન કરતાં આજે યાર્ડમાં હડતાલનો ત્રીજો દિવસ છે. છેલ્લા ત્રણ દિવસથી યાર્ડમાં હરરાજી સહિતની કામગીરી બંધ રહેતાં દૈનિક 60 કરોડથી વધુના વ્યવહારોને અસર પડી છે. યાર્ડમાં જે.કે.ટ્રેડીંગ નામની કંપની દ્વારા જણસીની ખરીદી કર્યા બાદ પૈસાનું ચુકવણુ નહીં કરતાં 140 થી વધુ દલાલ અને વેપારીઓના 17.59 કરોડ રૂપિયા ફસાઈ ગયા હતાં.

વેપારી પેઢીનાં માલિકો બિપીન ઢોલરીયા અને નિતીશ ઢોલરીયા ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ દલાલ મંડળ દ્વારા પોલીસ કમિશ્નરને કરવામાં આવી હતી. આ અંગેની તપાસ પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. જેમાં અલગ ટીમો બનાવીને ભૂગર્ભમાં ઉતરી ગયેલા પેઢીના માલિકને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું હતું.

વધુમાં અતુલ કામાણીએ જણાવ્યું છે કે, કરોડો રૂપિયા ફસાઈ જવાના કારણે દલાલો અને વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રૂપિયા ફસાઈ જવાના કારણે નવી ખરીદી તેમજ વેચાણ કરવું હિતાવહક નહીં હોવાનું દલાલો માની રહ્યાં છે. રૂપિયાની અછત હોવાના કારણે પણ ઘણા વ્યવહારો અટકી પડયા છે. વેપારી પિતા-પુત્રને જ્યાંસુધી ઝડપી લેવામાં નહીં આવે અને નાણાં છુટા નહીં થાય ત્યાં સુધી અન્ય વ્યવહાર કરવા શકય નહીં હોવાના કારણે યાર્ડમાં વેપારીઓ અને દલાલો દ્વારા હડતાલ પાડવામાં આવી છે. આ હડતાલનો આજે ત્રીજો દિવસ છે. દલાલો અને વેપારીઓ હરરાજી સહિતની કામગીરીથી દૂર રહ્યાં છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવતાં હોય છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટુ રાજકોટનું માર્કેટીંગ યાર્ડ હોવાથી વ્યવહારો પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યાં છે. રાજકોટ ર્યાડમાં દૈનિક 60 કરોડથી વધુના વ્યવહારો થતાં હોય છે. હાલ હડતાલ હોવાના કારણે યાર્ડમાં 60 કરોડથી વધુના વ્યવહારને અસર પડી છે.

સોમવાર સુધીમાં શરૂ થઈ શકે છે : અતુલ કામાણી
યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી હડતાલ ચાલી રહી છે જે ખેડૂતોને હડતાલ બાબતે ખ્યાલ નથી તેઓ પોતાનો માલ યાર્ડમાં લઈ આવી રહ્યાં છે. પરંતુ વેપારી કે દલાલ દ્વારા તેની હરરાજી કરવામાં આવી રહી નથી પરંતુ તેની ઉતરાઈની વ્યવસ્થા કરાઈ રહી છે. હાલ વાતાવરણને જોતાં તેમજ વેપારીઓ-દલાલોના મુળને પોલસની કાર્યવાહીને જોતાં સોમવારથી યાર્ડ ફરી ધમધમતું થાય તેવા એંધાણ દેખાઈ રહ્યાં હોવાનું અતુલ કામાણીએ જણાવ્યું હતું.

માવઠા અને હડતાલના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે. હાલ ઉનાળુ પાક તૈયાર થયો છે અને ખેડૂતો દ્વારા તેને ઉતારી પણ લેવામાં આવ્યો છે પરંતુ યાર્ડમાં દલાલો દ્વારા હડતાલની જાહેરાત કરતાં ખેડૂતોની મુશ્કેલી વધી હોવાનું સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *