શહેરના પીપળીયા હોલ પાસે આવેલા સોનાના કારખાનામાં કામ કરતો શ્રમિક યુવાન કામ પતાવી કારખાનેથી નીકળતો હતો ત્યારે તેના ખીસ્સામાં ભુલથી સોનાનો સામાન રહી જતાં ચોરીનું આળ મુકી મેનેજરના કહેવાથી બે સિકયોરિટીએ શ્રમિકને પાઈપ વડે બેફામ માર માર્યો હતો. તેનો મિત્ર વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં બે મેનેજર સહિત ચાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ બંગાળનો વતની અને હાલ કેવડાવાડીમાં રહેતો અને પીપળીયા હોલ પાસે આવેલા આર.કે.સિલ્વર નામના કારખાનામાં કામ કરતો સુલતાન અબ્બાસભાઈ મલીક (ઉ.38)એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કારખાનાના મેનેજર સંદીપભાઈ, કલ્પેશભાઈ, સિકયોરિટી વિરલભાઈ ભાલુ અને ભરતસિંહ ઝાલાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે છેલ્લા દોઢ વર્ષથી આ કારખાનામાં મજુરી કામ કરે છે. ગત તા.4ના સાંજે ફરિયાદી કામ પુરૂ કરી કારખાનેથી જતો હતો ત્યારે કારખાનાના સિકયોરિટી વિરલભાઈ ભાલુએ તેને તપાસતા તેના ખીસ્સામાંથી કારખાનાની સોનાની વસ્તુ મળી આવતાં સિકયોરિટીએ વસ્તુ કેમ લઈ જાશ તેમ પુછતાં તેણે જણાવેલ કે ભૂલથી રહી ગઈ હશે.
બાદમાં સિકયોરિટી ફરિયાદીને લઈ કારખાનાની ઓફિસમાં મેનેજર સંદીપભાઈ અને કલ્પેશભાઈ પાસે લઈ ગયો હતો અને બનાવ અંગે વાત કરી હતી. ત્યારબાદ બન્ને મેનેજરે સિકયોરિટીને સાચુ ના બોલે ત્યાં સુધી મારવાનું કહેતા વિરલભાઈએ પ્લાસ્ટીકના પાઈપ વડે બેફામ માર મારવા લાગ્યા હતાં. દરમિયાન તેનો મિત્ર રાજુસિંગ ચંદ્રપાલસિંગ આવી જતાં મેનેજરે તેના ખિસ્સામાંથી નીકળેલો સામાન તે રાજુને વેચે છે તેવી શંકા કરી રાજુને પણ મારવાનું કહેતા સિકયોરિટી વિરલભાઈએ રાજુને પાઈપ વડે મારવા લાગ્યો હતો. બાદમાં નાઈટ સિકયોરિટી તરીકે નોકરી કરતાં ભરતસિંહ ઝાલા આવતાં બન્ને મેનેજરે ભરતસિંહને ફરિયાદી અને રાજુને મારવાનું કહેતા ભરતસિંહએ પણ ફરિયાદી અને તેના મિત્રને પ્લાસ્ટીકના પાઈપ વડે માર માર્યો હતો.
ફરિયાદીએ આ વસ્તુ ચોરી નહીં કરી હોવાનું અને ભૂલથી ખીસ્સામાં રહી ગઈ હોવાનું કહેવા છતાં મેનેજરે સિકયોરિટી પાસે માર મારવ્યો હતો. બાદમાં બન્નેએ હાથ પગ જોડી ‘હું ચોરી કરીને નહીં પરંતુ ભૂલથી ખીસ્સામાં રહી ગયેલ હોવાનું કહી’ આજી જી કરતાં તેમને જવા દેવામાં આવ્યા હતાં. આ અંગે ફરિયાદીએ ભક્તિનગર પોલીસ મથકમાં બન્ને મેનેજર અને બન્ને સિકયોરિટી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય વિરૂધ્ધ ગુનો નોંધી ચારેય આરોપીની ધરપકડ કરી એએસઆઈ એચ.કે.માવદીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
