તાલાલામાં માતા-પિતાને વાડીએ મળવા ગયેલા યુવાનનો ઝાડ સાથે લટકી આપઘાત

તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના વતની અને હાલ તાલાલા શહેરમાં વેપાર કરતા પાટીદાર યુવાન કપિલ પોપટભાઈ હિંગરાજીયાએ પોતાની વાડીએ આંબાના ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત…

તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના વતની અને હાલ તાલાલા શહેરમાં વેપાર કરતા પાટીદાર યુવાન કપિલ પોપટભાઈ હિંગરાજીયાએ પોતાની વાડીએ આંબાના ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, કપિલ આજે બપોરે ધાવા ગામે પોતાના માતા-પિતાને મળવા ગયા હતા. ત્યાંથી તેઓ વાડીએ આંટો મારી તાલાલા ઘરે પહોંચી જવાની વાત કહીને નીકળ્યા હતા. બપોરના ભોજન સમયે પણ ઘરે ન આવતા, તેમના પત્નીએ ધાવા ખાતે સાસરાને ફોન કર્યો હતો.

સસરાએ જણાવ્યું કે કપિલ વાડીએથી તાલાલા જવા નીકળી ગયા હતા. પરિવારે વાડીએ જઈ તપાસ કરતા, કપિલ આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

પરિવારે અન્ય સંબંધીઓને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બીટના જમાદાર દેવેન્દ્ર ગાધે સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે યુવકના મૃતદેહને ફાંસા પરથી ઉતારી તાલાલા હોસ્પિટલ ખસેડ્યો હતો.

હોસ્પિટલમાં ફરજ પરના તબીબે કપિલને મૃત જાહેર કર્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પાટીદાર યુવકના આપઘાતના સમાચાર મળતા કડવા પાટીદાર સમાજના આગેવાનો પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા.

મૃતક યુવકને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આર્થિક રીતે સુખી-સંપન્ન પરિવારના યુવકના આપઘાતથી અરેરાટી વ્યાપી છે. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *