ગોંડલના વાછરા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યાને લીધે મહિલાઓ બની રણચંડી

ખાલી બેડા સાથે મહિલાઓ પાણી પુરવઠા કચેરીએ પહોંચી, 10 દિવસમાં ઉકેલ લાવવા અલ્ટીમેટમ ગોંડલ તાલુકાના વાછરા ગામમાં છેલ્લા 40 વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યાને લીધે…

ખાલી બેડા સાથે મહિલાઓ પાણી પુરવઠા કચેરીએ પહોંચી, 10 દિવસમાં ઉકેલ લાવવા અલ્ટીમેટમ

ગોંડલ તાલુકાના વાછરા ગામમાં છેલ્લા 40 વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યાને લીધે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીની અનિયમિતતા અને તંત્રની ઉદાસીનતા સામે આજે વાછરા ગામની મહિલાઓ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ સાથે ગોંડલ સ્થિત પાણી પુરવઠા વિભાગની કચેરીએ દોડી ગઈ હતી અને ખાલી બેડાં સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.ગ્રામજનો અને ખાસ કરીને મહિલાઓનો આક્ષેપ છે કે ગામમાં પાણી આપવાના કોઈ દિવસ કે સમય નક્કી નથી ગામમાં દર 8, 10 કે 12 દિવસે માંડ એકાદ વાર પાણી આપવામાં આવે છે.પાણી આવે ત્યારે પણ તે એક કલાક પૂરતું પણ મળતું નથી.

ઘણીવાર રાત્રે 3 વાગ્યે પાણી છોડવામાં આવે છે, જેથી મહિલાઓએ એકબીજાના ઘરે જઈ ડેલીઓ ખખડાવીને જગાડવી પડે છે. એક મહીલા એ જણાવ્યું કે “અમે જ્યારે લગ્ન કરીને આ ગામમાં આવ્યા ત્યારથી પાણીની આ જ સમસ્યા ભોગવી રહ્યા છીએ. આજે અમારા સંતાનો પણ મોટા થઈ ગયા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.” આ પ્રશ્ને આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ જીગીશાબેન પટેલ, વાછરા નાં વતની અને જિલ્લા પંચાયત સદસ્ય આરતીબેન જેતાણી અને તાલુકા પંચાયત સદસ્ય નયનાબેન મકવાણા દ્વારા કાર્યપાલક ઈજનેરને લેખિતમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

જેમા માંગ કરાઇ છે કે મોવિયા સંપમાંથી વાછરા ગામને સીધી લાઈન આપવામાં આવે. વેરી ડેમમાંથી ડાયરેક્ટ લાઈનનું જોડાણ કરવામાં આવે. ખરેડા સંપ અથવા નારણકા સંપથી લાઈન ગોઠવીને પાણીનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે. પાણી મુદ્દે’આપ’ના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે, આગામી 10 દિવસની અંદર પાણી પુરવઠા વિભાગ આ સમસ્યાના કાયમી અથવા વૈકલ્પિક ઉકેલ માટે લેખિતમાં બાંહેધરી આપે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *