ધોરાજી-જેતપુર હાઇવે પર રિક્ષા પલટી ખાતા મહિલાનું કરુણ મોત

રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુર હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. હાઇવે પર આવેલા ભુતવડ ગામ નજીક એક મુસાફરો ભરેલી રિક્ષા અચાનક પલટી મારી જતાં ગમખ્વાર…

રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુર હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. હાઇવે પર આવેલા ભુતવડ ગામ નજીક એક મુસાફરો ભરેલી રિક્ષા અચાનક પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. આ ગોઝારી ઘટનામાં એક 50 વર્ષીય આધેડ મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે રિક્ષામાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી અનુસાર, ધોરાજી-જેતપુર હાઇવે પરથી પસાર થઈ રહેલી રિક્ષા ચાલકે ભુતવડ ગામ પાસે અચાનક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે રિક્ષા માર્ગ પરથી નીચે ઉતરી ગઈ હતી અને જોરદાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર 50 વર્ષીય મહિલાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમણે સ્થળ પર જ અંતિમ શ્વાસ લીધા હતા.

અકસ્માત સર્જાતાં જ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. લોકોએ રિક્ષામાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અન્ય ત્રણ લોકોને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના શવને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *