શહેરના કાલાવડ રોડ પર આવેલી સ્ટાન્ડર્ડ ચાર્ટર બેંક વાળી શેરીમાં ’કલા મંદિર’ નામના જ્વેલર્સના શો-રૂૂમનું બાંધકામ ચાલી રહ્યું છે. આ કામગીરી સુરતની રીગવેદ પી.એમ.સી. કંપની દ્વારા કરવામાં આવી રહી છે. ગત તારીખ 17 માર્ચ 2026ના રોજ શો-રૂૂમના ઇલેક્ટ્રિક કામ માટે કોપર વાયરના આશરે 10 બંડલ મંગાવવામાં આવ્યા હતા, જે શો-રૂૂમની બહાર ખુલ્લા કંપાઉન્ડમાં રાખવામાં આવ્યા હતા. દરમિયાન, 27 માર્ચ 2026ના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ જ્યારે ઇલેક્ટ્રિશિયન ચંદનભાઇ વાયર લેવા ગયા ત્યારે આ બંડલ ત્યાં જોવા મળ્યા નહોતા.
કંપનીના અન્ય કર્મચારીઓ અને આસપાસ તપાસ કરવા છતાં વાયરનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
આ ઘટના અંગે કંપનીના એન્જિનિયર કેવીનભાઈ અજયભાઈ વીંછી (ઉં.વ. 23) એ ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેઓ કંપનીના કામ અર્થે બહારગામ હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો.
ચોરી થયેલા વાયરના કુલ 10 બંડલની કિંમત ₹40,000 અંકાયી છે. ગાંધીગ્રામ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ગઢવીને સોંપવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી અજાણ્યા તસ્કરને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
