જસદણ તાલુકાના દેવપરા ગામની ઘટના, આડા સંબંધોનો કરૂણ અંજામ
સ્પીનીંગ મીલમાં નોકરીએ જતી પરણિતા સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો
જસદણના દેવપરા ગામે પ્રેમમાં આડખીલીરૂપ બનેલા પરિણીતાના પતિને તેના પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દેવપરા ગામે વાડીએ સુતેલા 30 વર્ષિય યુવાનને પત્નીના પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધાના સમાચારોથી સનસનાટી મચી ગઈ હતી.
મળતી વિગતો મુજબ, જસદણનાં દેવપરા ગામે રહેતા 30 વર્ષિય જેરામભાઈ સદાદીયા પોતાની વાડીએ હતો ત્યારે રાત્રીના ત્રણ વાગ્યે તેના ઉપર ભાવેશ કુકડીયા નામના શખ્સે તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર ઈજા થવાથી જેરામ સદાદીયાનું મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ મથકનો સ્ટાફ દેવપરા ગામ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ બનાવ પાછળ આડો સંબંધ કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. જસદણ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો. ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે વાડી આસપાસના અન્ય મજુરો અને ખેડૂતોની પુછપરછ કરતાં જાણવા મળ્યું કે મૃતક જેરામ સદાદીયાની પત્ની અને ભાવેશ કુકડીયા વચ્ચે પ્રેમ સંબંધ હોય જેમાં આડખીલીરૂપ બનતા જેરામને ભાવેશે મોતને ઘાટ ઉતારી દીધો હતો.
જસદણ નજીક આવેલ સ્પીનીંગ મીલમાં મજુરી કામ અર્થે જતી જેરામની પત્ની અને ભાવેશ વચ્ચે આંખ મળી ગઈ હતી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા ઘણા સમયથી ભાવેશ અને જેરામની પત્ની એક બીજા સાથે સંપર્કમાં હતાં. જે બાબતની જાણ જેરામને થતાં અગાઉ ભાવેશ અને જેરામ વચ્ચે ઉગ્ર માથાકુટ થઈ હતી.
પરિણીત પ્રેમીકાને પામવા ભાવેશે જેરામને કાયમી શાંત કરી દેવાનો પ્લાન બનાવ્યો હતો અને મોડીરાત્રે ત્રણ વાગ્યાના સુમારે જેરામ જસદણનાં દેવપરા ગામની વાડીએ સુતો હતો ત્યારે ભાવેશ ત્યાં પહોંચ્યો હતો અને જેરામ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની જાણ થતાં જસદણ પોલીસ સાથે ગ્રામ્ય એલસીબીની ટીમ પણ દેવપરા ગામ ખાતે દોડી ગઈ હતી અને આ અંગે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.
