નિદ્રાધીન પત્નીને ધોકા મારી મોતને ઘાટ ઉતારી: પતિ પોલીસ સ્ટેશને હાજર થયો
જેતપુરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાસના કારણે પતિએ ધોકા ફટકારી પત્નીની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. હત્યા કરનાર પતિ સામેથી જ પોલીસ સરણે થયો હતો. માતાની હત્યાથી બે સંતાનો નોધારા બન્યા છે. આ બનાવ અંગે જેતપુર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના બળદેવધાર વિસ્તારમાં રહેતા ફિરોજ મામદને તેની પત્ની સબનમ સાથે અવાર નવાર નાની નાની બાબતોમાં ઘરકંકાસ થતો હોય ગઈકાલે રાત્રે બાળકોને માર મારવા બાબતે સબનમને પતિએ ઠપકો આપ્યા બાદ દંપતિ વચ્ચે ઝઘડો થયા બાદ બન્ને સુઈ ગયા હતાં ત્યારે મોડી રાતના નિંદ્રાધીન સબનમ ઉપર પતિ ફિરોઝે ધોકાથી હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફિરોઝ સામેથી જ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો. બનાવ અંગેની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઈ મયંકસિંહ ઠાકોર સહિતનો સ્ટાફ બળદેવધાર વિસ્તારમાં ફિરોઝના ઘરે દોડી ગયો હતો. જ્યાં સબનમના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે પત્ની સબનમની હત્યા કરનાર પતિ ફિરોજની ધરપકડ કરી હતી. દંપતિ વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવતા સબનમની હત્યા થઈ હોય જેથી તેના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવની જાણ થતાં મૃતક સબનમના પરિવારજનો પણ જેતપુર દોડી આવ્યા હતાં.