ઉના શહેરના વિનાયક સોસાયટીમાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાએ પતિના આડા સંબંધો અને અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હોવાની કરુણ ઘટના સામે આવી છે. આ મામલે મૃતક ના ભાઈ તુષારભાઈ સોલંકીએ ઉના પોલીસ મથકમાં બનેવી શૈલેષભાઈ મકવાણા વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આદિપુર-ગાંધીધામ ખાતે રહેતા અને ખાનગી નોકરી કરતા તુષારભાઈ મગનભાઈ સોલંકી ઉ.વ. 30 એ ઉના પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની મોટી બહેન પ્રિયંકાબેનના લગ્ન આજથી સાડા છ વર્ષ પૂર્વે તા. 10/12/2019ના રોજ અરવલ્લીના બાયડ તાલુકાના પટેલના મુવાળા ગામના વતની અને હાલ ઉના વિનાયક સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ હસમુખ ભાઈ મકવાણા સાથે સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા.લગ્નના શરૂૂઆતનું એક વર્ષ બન્નેનું દાંપત્ય જીવન સુખમય ચાલ્યું હતું. પરંતુ ત્યારબાદ શૈલેષભાઈ નો વર્તન બદલાઈ ગયો. તે અવારનવાર પ્રિયંકાબેનસાથે ઝઘડા કરી ‘તુ મરી જા, મારે તને નથી રાખવી, તુ મને ગમતી નથી’ જેવા વેણ બોલી અસહ્ય માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. બહેનનું ઘર ન તૂટે તે માટે પરિવારે અનેક વખત પ્રિયંકાબેનને સમજાવીને સાસરે મોકલી હતી.
ગત તા. 03/05/2026ના રોજ સાંજે પાંચેક વાગ્યા ના સુમારે તુષારભાઈને તેમના બનેવી શૈલેષભાઈનો ફોન આવ્યો હતો. શૈલેષભાઈએ જણાવ્યું કે, “પ્રિયંકાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો છે.” ફરિયાદમાં તુષારભાઈએ આક્ષેપ કર્યો છે કે, તેમના બનેવી શૈલેષભાઈને વેરાવળ પોલીસમાં ફરજબજાવતી એક મહિલા સાથે પ્રેમસંબંધ છે. આ આડા સંબંધના કારણે જ શૈલેષભાઈ છેલ્લા પાંચ વર્ષથી પ્રિયંકાબેનને સતત માનસિક યાતના આપી ત્રાસ ગુજારતો હતો. “તુ મરી જા, તું મને ગમતી નથી” કહીને તે સતત મરવા માટે મજબૂર કરતો હતો. આ અસહ્ય ત્રાસથી કંટાળીને જ પ્રિયંકાબેને તા. 03/05/2026ના રોજ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
