રાજકોટ માવતરે રહેતી પરિણીતાએ અમદાવાદ રહેતા એએસઆઇ પતિ સહિતના સસરીયા વિરૂદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ઉચ્ચશિક્ષિત પરિણીતાએ પ્રેમલગન કર્યા બાદ ઘરકામ બાબતે ત્રાસ ગુજારતા હતા. આ અંગે પોલીસે સાસરીયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગત મુજબ હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર નીલકંઠનગરમાં માવતરે રહેતી દર્શનાબેન હિરેનભાઇ જીતીયા (ઉ.વ.33)એ મહિલા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદ વાસુદેવનગર સોસાયટીમાં રહેતા પતિ હિરેન જીવણભાઇ જીતીયા, સસરા જીવણભાઇ અને સાસુ મંજુલાબેન ના આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીએ બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2018માં તેણીએ પતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
પતિ હિરેન છેલ્લા નવ વર્ષથી અમદાવાદ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે. લગ્નના 6 માસ સુધી સારી રીતે રાખ્યા બાદ ત્રાસ ગુજારવાનુ શરૂ કર્યું હતુ. પતિને દારૂ પીવાની કુટેવ હોય અવાર-નવાર દારૂ પી ઘરે આવતા અને આખો દિવસ સુતા રહેતા હતા. આ બાબતે સાસુ-સસરાને કહેતા તેઓ ઝઘડો કરતા અને ઘરકામ તેમજ રસોઇ બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતા હતા.પતિને દારૂ પીવાની ના પાડતા તેઓ ઝઘડો કરીવ મારકૂટ કરતા હતા. સાસુ કહેતા ‘તારે જાવુ હોય તો જા, મારા દિકરાને તારા જેવી સતર મળી જશે ’ આ ઉપરાંત પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય જે બાબતે પણ માથાકૂટ થતી હતી. જેથી તેણી બે મહિનાથી માવતરે આવી ગઇ હતી. આ અંગે પરિણીતાની ફરિયાદ પરથી મહિલા પોલીસે એએસઆઇ પતિ સહિતના સાસરીયા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.