રાજકોટ નજીક સૂકી સાજડીયાળી ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની 22 વર્ષીય પરિણીતાએ પતિ સાથે વિમલ પાનમસાલાના પૈસા બાબતે રકઝક કરી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું છે.
વધુ વિગતો મુજબ, મૂળ દાહોદ જિલ્લાના જમ્બવા ગામના વતની અને હાલ સૂકી સાજડીયાળી ગામે વલ્લભભાઈ ટાઢાણીની વાડીમાં ખેત મજૂરી કરતા શૈલેષભાઈ બાબરિયાના પત્ની મંજુલાબેન (ઉં.વ. 22) એ શનિવારે સાંજે આઠ વાગ્યાના અરસામાં વાડીએ ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
મૃતકના પતિ શૈલેષભાઈના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે તેઓ વિમલ પાન મસાલા લેવા માટે ગયા હતા. શૈલેષભાઈ જ્યારે પરત આવ્યા ત્યારે મંજુલાબેને તું મારા પૈસાની વિમલ કેમ લાવ્યો? તેમ કહીને તકરાર કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ મંજુલાબેન રિસાઈ ગયા હતા અને આવેશમાં આવી ઓરડીમાં જઈ ઝેરી દવા પી લીધી હતી.બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
