મિત્રો સાથે ખોખડદળ પાસે માતાજીના મંદિરે જતાં હતાં ત્યારે બન્યો બનાવ, 48 કલાક વિત્યા છતાં કોઈ પતો ન મળતાં ફરિયાદ નોંધાવી
કાલાવડ રોડ કણકોટ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ ઉઘરેજા નામના 26 વર્ષીય યુવકનું સાતમીએ સાંજે ખોખડદળ ગામ પાસેના મેલડી માતાના મંદિર નજીકથી ચાર અજાણ્યા શખ્સો છરી બતાવી અપહરણ કરી જતાં ચકચાર મચી ગઇ છે.આ અંગે આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હોઇ તપાસનો ધમધમાટ થઇ રહ્યો છે.
વધુ વિગતો મુજબ,કણકોટ કોળીવાસ એન્જિનીયરીંગ કોલેજ પાસે રહેતાં પૂજાબેન મુકેશભાઇ ઉધરેજા (ઉ.વ.26)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદી પૂજાબેન ઉઘરેજાએ જણાવ્યું હતું તા. 07/02/2026ના રોજ બપોરે તેમના પતિ મુકેશભાઈ અને તેમના મિત્રો અરૂૂણભાઈ રાઠોડ, વિજયભાઈ ઉકેળીયા તથા વિજય મહતો પોતાની સ્વિફટ કાર જીજે36આર-7948 લઈને સાપર ગયા હતા. સાંજે ચાર વાગ્યે મુકેશભાઈએ પત્નિને ફોન કરીને કહ્યું હતું કે આજે રસોઈ બનાવતી નહીં, આપણે બહાર જમવા જઈશું. જો કે સાડા સાત વાગ્યા બાદ મુકેશભાઈનો ફોન બંધ આવવા લાગતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.
મુકેશભાઈના મિત્ર અરૂૂણ ઉર્ફે ગીડીએ પરિવારને આપેલી માહિતી મુજબ તેઓ શાપરથી પરત ફરતા હતા ત્યારે ખોખડદળ મેલડી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ સમયે સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં એક સિલ્વર કલરની કારે તેમની ગાડી આંતરી હતી. કારમાંથી નીચે ઉતરેલા એક શખ્સે ઈશારાથી ગાડી ઉભી રખાવી હતી. ત્યારબાદ બીજી કારમાંથી અન્ય ત્રણ માણસો નીચે ઉતર્યા હતા. આરોપીઓએ ગાડીમાં સવાર મુકેશભાઈ અને તેના મિત્રોને નીચે ઉતારવા દબાણ કર્યું હતું. મુકેશભાઈ નીચે ન ઉતરતા એક શખ્સે છરી બતાવી ગાળો આપી તેમને ખેંચીને બહાર કાઢયા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
મુકેશભાઈના મિત્રો તેમને છોડાવવા વચ્ચે પડ્યા તો આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મિત્રો થોડે દૂર જતા રહ્યા હતા. તકનો લાભ લઈ ચારેય અજાણ્યા શખ્સો મુકેશભાઈને તેમની જ સ્વિફટ કારમાં બળજબરીથી બેસાડી, બંને કાર લઈ અંધારામાં ફરાર થઈ ગયા હતા.
આ અંગે આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઅઇા એસ. એલ. ગોહિલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચકાસવા અને આરોપીને શોધી અપહૃતને મુક્ત કરાવવા તપાસ શરૂૂ કરી છે. પોલીસ અપહૃતના મિત્રોની પણ પુછતાછ કરી રહી છે. દરમિયાન પૂજાબેન ઉધરેજાએ વાતચીતમાં કહ્યું હતું કે આજે સોમવાર સવાર સુધી મારા પતિનો કોઇ પત્તો મળ્યો ન હોઇ અમે ફરીથી પોલીસ સ્ટેશને પહોંચ્યા છીએ.
