અનેક આવાસો અપાયા છતાં ઝુંપડપટ્ટીઓ યથાવત કેમ?: બોર્ડમાં વેધક સવાલ

રાજકોટ મહાનગરપાલિકાની આજે મળેલી જનરલ બોર્ડની બેઠક ભારે હોબાળા અને સવાલોના તીખા મારો વચ્ચે યાદગાર બની રહી હતી. ખાસ કરીને શહેરમાં આવાસ યોજનાઓ, ઝૂંપડપટ્ટી વિસ્થાપન,…

રાજકોટ મહાનગરપાલિકાની આજે મળેલી જનરલ બોર્ડની બેઠક ભારે હોબાળા અને સવાલોના તીખા મારો વચ્ચે યાદગાર બની રહી હતી. ખાસ કરીને શહેરમાં આવાસ યોજનાઓ, ઝૂંપડપટ્ટી વિસ્થાપન, એસોસિએશનોના કરોડોના ફંડના વહીવટ અને કૌભાંડોના મુદ્દે સત્તાધારી પક્ષ ભાજપના જ કોર્પોરેટરોએ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. તો બીજી બાજુ, વિરોધ પક્ષ કોંગ્રેસે પણ આવાસ ફાળવણીમાં વ્યાપક અનિયમિતતાઓ અને કૌભાંડોનો આક્ષેપ કરી મેયર અને તંત્રને ઘેર્યા હતા.

આજના જનરલ બોર્ડની શરૂૂઆતથી જ પ્રશ્નોત્તરી કાળમાં ગરમાગરમી જોવા મળી હતી. ભાજપના જ કોર્પોરેટરો દ્વારા અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા જનરલ બોર્ડમાં અધૂરી માહિતી રજૂ કરવામાં આવતા મેયર દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. મેયરે કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, અગાઉથી જ જે કોર્પોરેટરોએ પ્રશ્નો પૂછ્યા હોય તેમને સંપૂર્ણ અને લેખિત માહિતી સમયસર મળવી જ જોઈએ, અને તે અંગેની સ્પષ્ટતા થયા બાદ જ બોર્ડની કાર્યવાહી આગળ વધશે. તંત્રની બેદરકારી સામે ખુદ શાસક પક્ષના સભ્યો આક્રમક દેખાયા હતા.

બોર્ડની બેઠકમાં કોર્પોરેટર કેતન પટેલે આવાસ યોજના અને ઝૂંપડપટ્ટીના પ્રશ્ને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તંત્રને સવાલ કર્યો હતો કે, “રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ કેટલી ઝૂંપડપટ્ટીઓ દૂર કરવામાં આવી છે અને તેના બદલામાં ઝૂંપડપટ્ટીના લોકોને કેટલા ક્વાર્ટર ફાળવવામાં આવ્યા છે?”

કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મોટાભાગના ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને હજુ સુધી આવાસ યોજનાના ક્વાર્ટર ફાળવવામાં આવ્યા જ નથી અથવા તો તેઓ યોજનાના લાભથી વંચિત છે. લલૂડી વોકળા વિસ્તારનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ત્યાં અનેક લાભાર્થીઓએ જાતે જ પોતાના મકાનો તોડી નાખ્યા છે અને રિ-ડેવલપમેન્ટ માટે જગ્યા ખાલી કરી આપી છે, પરંતુ હકીકતમાં એક પણ ઝૂંપડપટ્ટી સંપૂર્ણપણે ખાલી થઈને વિકાસ કામો આગળ વધ્યા હોય તેવું જમીની હકીકતમાં દેખાતું નથી. આ બાબતે તંત્ર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવતા ચર્ચા વધુ તીવ્ર બની હતી.

પૂર્વ મેયર પ્રદીપ દવેએ પણ આવાસ યોજનાના સંચાલનને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવાસ યોજનાઓ પૂર્ણ થયા બાદ જે એસોસિએશનો બનાવવામાં આવે છે તેમાં માત્ર 10 થી 12 ગણતરીના લોકો જ હોદ્દેદાર કે સભ્ય બનતા હોય છે. આ એસોસિએશનો માત્ર બે થી ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં જ 4 થી 5 કરોડ રૂૂપિયાનું જંગી ફંડ વાપરી નાખતી હોય છે.

પરિણામે, ત્રણ-ચાર વર્ષ વીત્યા બાદ આવાસ યોજનાઓમાં મેન્ટેનન્સ અને અન્ય મૂળભૂત સુવિધાઓના મોટા પ્રશ્નો ઊભા થાય છે અને સામાન્ય આવાસધારકોએ તેનો ભોગ બનવું પડે છે. પ્રદીપ દવેએ માંગ કરી હતી કે એસોસિએશનમાં સભ્યોની સંખ્યા વધારવી જોઈએ અને અત્યાર સુધી ફંડ ક્યાં અને કેવી રીતે વાપરવામાં આવ્યું તેનો પારદર્શક હિસાબ મળવો જોઈએ. મોટાભાગે એસોસિએશનના અગ્રણીઓ પોતાના જ સ્વાર્થ કે હિતનો વિચાર કરતા હોવાથી સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાય છે.

 

હોકર્સ ઝોન નીતિ મંજૂર, લારી-ગલ્લાવાળાઓ માટે ચોક્કસ જગ્યા નક્કી કરાશે
જનરલ બોર્ડ બેઠકમા આ બેઠક દરમિયાન સૌથી મોટો અને મહત્વનો નિર્ણય હોકર્સ ઝોન નીતિ અંગે લેવામાં આવ્યો હતો, જેને મનપાના જનરલ બોર્ડ દ્વારા અધિકૃત મંજૂરી આપવામાં આવી છે. આ નવી નીતિ અમલમાં આવવાથી શહેરમાં લારી-ગલ્લા અને પથારાવાળાઓ માટે ચોક્કસ જગ્યાઓ નક્કી કરવામાં આવશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને નાના વેપારીઓને રોજગારી માટે વ્યવસ્થિત જગ્યા મળી રહેશે.આ નવી નીતિના અમલીકરણથી શહેરમાં લારી, ગલ્લા અને પથારાવાળાઓ માટે ચોક્કસ જગ્યાઓ નક્કી કરવામાં આવશે. અત્યાર સુધી રસ્તાઓ પર અનિયંત્રિત રીતે ઊભા રહેતા લારી-ગલ્લાના કારણે જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, તેનાથી શહેરના નાગરિકોને મોટી રાહત મળશે.

“પહેલા નેતાઓ ક્વાર્ટર ફાળવી લો, પછી જનતાને આપજો”: કોંગ્રેસ
વિરોધ પક્ષ કોંગ્રેસે પણ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આક્રમક વલણ અપનાવ્યું હતું. આવાસ યોજનાઓમાં થયેલા કથિત કૌભાંડો અને ગેરરીતિઓને લઈને કોંગ્રેસે સવાલોનો વરસાદ વરસાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે તાજેતરમાં અનેક લોકોને નિયમો વિરુદ્ધ એક કરતા વધુ આવાસ ફાળવવામાં આવ્યા છે, એટલું જ નહીં પરંતુ ડેપ્યુટી મેયરને મળેલા આવાસને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, “પહેલા સત્તાધારી પક્ષના નેતાઓ અને હોદ્દેદારો પોતાના પરિવારજનો માટે ક્વાર્ટર ફાળવી લો, જો પછી કંઈ વધે તો સામાન્ય જનતાને આપજો!” કોંગ્રેસના આ પ્રહાર સામે ભાજપના એક કોર્પોરેટરે સામે પલટવાર કરતા કહ્યું હતું કે, “પહેલા તમે મકાનના હપ્તા ભરી લો, પછી પ્રશ્નો કરજો.” આ સામાસામેની નોકઝોકથી બોર્ડરૂૂમનું વાતાવરણ વધુ ગરમાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *