પડધરીના ન્યારા ગામનો બનાવ: કારમાં તોડફોડ કરી ખૂનની ધમકી આપ્યાની 3 સામે ફરિયાદ
પડધરીના ન્યારા ગામે ઉધારી નાણાની માંગણી કરતા ત્રણ શખ્સોએ ‘અમારી પાસે પૈસા માંગો છો તેવી ગામાં કેમ વાતો કરો છો’ કહી કરીયાણાની દુકાન ધરાવતા બંધુ ઉપર ધોકા- પાઇપથી હુમલો કરી કારમાં તોડફોડ કર્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ન્યારા ગામે રહેતા અરવિંદભાઇ કેશુભાઇ વઘેરા (ઉ.વ.30) નામના યુવાને પડધરી પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ગામમાં રહેતા જગદીશ દુદાભાઇ મકવાણા, મિહીર કાંતીભાઇ મકવાણા અને જીતુભાઇ સોમાભાઇ મકવાણાના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ તેમની કરીયાણાની દુકાનેથી ઉધારમાં વસ્તુ લેતા હોય જમા રૂા.50 હજાર દેતા ન હોવાથી એક વર્ષ પહેલા માથાકુટ થઇ હતી જો કે તે સમયે સમાધાન થઇ જતા ફરીયાદ કરી ન હતી.
દરમિયાન ગઇકાલે ફરીયાદી અને તેના ભાઇ લાલજીભાઇ પોતાની બજરંગ પ્રોવિઝન સ્ટોર પાસે હતા ત્યારે આરોપીઓ ધોકા-પાઇપ સાથે ધસી આવી ‘તમો અમારી પાસે પૈસા માંગો છો તેવી ગામમાં કેમ વાતો કરો છો’ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ધોકા- પાઇપથી હુમલો કર્યો હતો અને દુકાન સામે પડેલી ફરીયાદીની કારમાં પણ ધોકા-પાઇપ ફટકારી તોડફોડ કરી હતી.
આ હુમલામાં ફરીયાદીને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.