નિવૃત્ત કર્મચારીઓની જગ્યા ભરવા અને નવા સેટઅપ માટે ત્રણ વર્ષમાં 1966 જગ્યાઓ ભરાઈ
રાજકોટ મહાનગરપાલિકાની હદ વધવાની સાથો સાથ દરેક વિભાગમાં અધિકારીઓને કર્મચારીઓની વધુને વધુ જરૂરિયાત ઉભી થઈ છે. પરંતુ છેલ્લા છ વર્ષથી મહાનગરપાલિકા દ્વારા વર્ગ-1થી લઈને વર્ગ-4 સુધીમાં નિયમ મુજબની ભરતી ન કરાતા આજે મુખ્ય જવાબદારી વાળા અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિતની 1018 જગ્યાઓ ખાલી હોવાથી લોકોના કામો ન થતાં હોવાની ચર્ચા જાગી છે. તેવી જ રીતે અનેક ઉચ્ચ અધિકારીઓની પોસ્ટ ખાલી હોવાના કારણે ઈન્ચાર્જથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. જેના લીધે આ અધિકારીઓ વધુ કામના ભારણના લીધે રાજીનામાઓ આપી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી નથી.
મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોમાં સ્ટાફની ખોટ છેલ્લા છ વર્ષથી વરતાઈ રહી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્ટાફની ભરતી મુદ્દે અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. છતાં કોન્ટ્રાક બેઝના માણસો દ્વારા ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. પરંતુ કાયમી સ્ટાફ સિલેક્શન ભરતી કરવામાં આવી નથી. અલગ અલગ વિભાગમાં છેલ્લા છ વર્ષ દરમિયાન મંજુર કરવામાં આવેલ જગ્યાઓ મુજબ વર્ગ-1માં 37,, વર્ગ2 માં 149, વર્ગ-3માં 2798 સહિત કુલ 2984 જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. જેની સામે મહાનગરપાલિકાએ વર્ગ-1માં 8 જગ્યા, વર્ગ-2માં 124 જગ્યા, વર્ગ-3માં 1834 જગ્યા સહિત 1966 નવી ભરતી કરવામાં આવેલ છે. છતાં વર્ગ-1માં 29, વર્ગ-2માં 25, વર્ગ-3માં 964 સહિત 1018 જગ્યાઓ આજે પણ ખાલી હોવાથી આ જગ્યા ભરવા માટે હવે આયોજન કરવામાં આવ્યું હોય તેમ જાણવા મળેલ છે.
ચાલુ વર્ષ દરમિયાન 309 જગ્યા ભરાશે
મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગમાં વર્ગ-1થી વર્ગ-3 સુધીના 1018 જગ્યાઓ આજે પણ ખાલી હોય રજૂઆતના પગલે મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025 દરમિયાન ભરતી કરવામાં આવશે. જે મુજબ વર્ગ-1માં 21, વર્ગ-2માં 9, વર્ગ-3માં 267 અને વર્ગ-4માં 12 જગ્યા સહિત 309 જગ્યાઓ તાત્કાલીક અસરથી ભરવામાં આવશે.
અનેક વિભાગમાં ઈન્ચાર્જથી ગબડાવાતુ ગાડુ
રાજકોટ મહાનગરપાલિકાની વર્ગ-1 અને 2 ની જગ્યાઓના વહીવટી કેડરના રિફટમેન્ટ રૂલ્સ અદ્યતન કરવામાં આવેલ છે અને ટેક્નિકલ કેડરના અદ્યતન કરવાની કાર્યવાહી ચાલુ છે. જેમાં વર્ગ-1ની વહીવટી જગ્યાઓની મંજુરી સરકાર પાસે માંગવામાં આવી છે. જે મળ્યે વર્ગ-1 અને વર્ગ-2ની મહતમ જગ્યાઓ ભરવામાં આવશે. છતાં આસિ. કમિશનર ચીફ ફાયર ઓફિસર, સીટી ઈજનેર સ્પેશિયલ, ડાયરેક્ટર આઈટી, ડાયરેક્ટર પાર્ક એન્ડ ગાર્ડન, નાયબ કમિશનર અને ઓફિસ સુપ્રીટેન્ડન્ટ સ્ટોર સહિતની અનેક જગ્યાઓ હાલ ઈન્ચાર્જથી ચલાવવામાં આવી રહી છે. જેના લીધે એક અધિકારી પાસે વધુ વિભાગનો હવાલો હોવાથી કામ કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. તેવી જ રીતે વધુ વિભાગનું ઈન્સ્પેક્શન કરી શકાતુ ન હોય અનેક કામો ધીમી ગતિએ ચાલતા હોવાનું તેમજ અમુક વિભાગોમાં અરજદારોની પણ મુશ્કેલી પડતી હોવાનું જાણવા મળેલ છે.
