અહીં ખુલ્લામાં શું કરો છો? 50 હજારના તોડનો પ્રયાસ કરતા બે નકલી પોલીસમેન ઝડપાયા

રોફ જમાવી પૈસા માંગ્યા પણ યુવાનોને શંકા જતા ભાંડો ફૂટયો શહેરમાં રૈયાધારે નકલી પોલીસ બનીને યુવાનોને ડરાવી, ધમકાવી અને તોડબાજી કરવાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં…

રોફ જમાવી પૈસા માંગ્યા પણ યુવાનોને શંકા જતા ભાંડો ફૂટયો

શહેરમાં રૈયાધારે નકલી પોલીસ બનીને યુવાનોને ડરાવી, ધમકાવી અને તોડબાજી કરવાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે મધુરમ સોસાયટીમાં રહેતા અને મજૂરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા 31 વર્ષીય કીરીટભાઈ મનસુખભાઈ પીઠડીયાએ ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત શુક્રવાર એટલે કે 12 જૂન 2026ના રોજ રાત્રિના આશરે અગિયારેક વાગ્યાની આસપાસ કીરીટભાઈ અને તેમના ત્રણ મિત્રો નરેશભાઈ પાંચાલ, રવિભાઈ ચાવડા અને ભાર્ગવભાઈ જોગર રૈયાધાર શાંતીનગર ગેઇટથી આગળ સોપાન લકઝરીયસની પાછળ આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા હતા. આ ચારેય મિત્રો જ્યારે ગ્રાઉન્ડમાં બેઠા હતા, ત્યારે બ્લુ કલરની ઓલા ઇલેક્ટ્રિક મોટરસાયકલ પર બે અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા.

મોટરસાયકલ ચલાવનાર શખ્સે પોલીસના લોગો વાળું જેકેટ પહેરેલું હતું, જેના કારણે કીરીટભાઈ અને તેમના મિત્રો પ્રથમ દ્રષ્ટિએ ડરી ગયા હતા. મોટરસાયકલ પર આવેલા બંને ઇસમોએ કીરીટભાઈ અને તેમના મિત્રોને ધમકાવતા કહ્યું કે, “તમે લોકો અહીં ખુલ્લા પટ્ટમાં શું કરો છો?” આ સાંભળીને ગભરાઈ ગયેલા ચારેય મિત્રો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. જોકે, નકલી પોલીસ બનેલા શખ્સોએ કીરીટભાઈને પકડી લીધા હતા. પકડાયેલા કીરીટભાઈને આરોપીએ ધમકી આપતા જણાવ્યું કે, પોતે માલવીયા પોલીસ સ્ટેશનમાંથી આવે છે. તેણે કીરીટભાઈને કહ્યું કે જો તે તેના બાકીના મિત્રોને પાછા નહીં બોલાવે તો તે બંને મોટરસાયકલ ડિટેઈન કરી લેશે અને તેને માલવીયા પોલીસ સ્ટેશન લઈ જઈને માર મારશે અને કાયદાકીય કેસ કરશે.

આ મામલો રફાદફા કરવા અને પોલીસ સ્ટેશને ન જવા માટે નકલી પોલીસે કીરીટભાઈ પાસે રૂૂા. 50,000/- ની મોટી રકમની માંગણી કરી હતી. ડરી ગયેલા કીરીટભાઈએ પોતાના મિત્રોને ફોન કરીને પાછા બોલાવ્યા હતા. જોકે, મિત્રો પાછા આવ્યા બાદ નરેશભાઈ નામના મિત્રને આ બંને શખ્સોની હિલચાલ અને વાતચીત પર ભારે શંકા ગઈ હતી. આથી નરેશભાઈએ મક્કમતાથી બંનેના નામ પૂછતાં મોટરસાયકલ ચાલકે પોતાનું નામ આર્યન ફળદુ અને તેની સાથેના શખ્સે પોતાનું નામ પરમરાજ માંજરીયા જણાવ્યું હતું. જ્યારે મિત્રોએ તેમને સવાલ કર્યો કે જો તેઓ માલવીયા પોલીસના માણસો હોય તો યુનિવર્સિટી વિસ્તારમાં શું કામ કરી રહ્યા છે અને તેમની પાસે પોલીસ હોવાના પુરાવા માંગ્યા, ત્યારે બંને શખ્સો ગભરાઈ ગયા હતા અને કોઈ પણ જવાબ આપ્યા વિના પોતાની મોટરસાયકલ લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે ગાંધીગ્રામ-2 પોલીસે આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *