આગામી અષાઢી બીજ પૂર્વે પીસીબીની ટીમને મોટી સફળતા મળી હતી ગેરકાયદેસર હથિયારોની હેરફેર અને વેચાણ કરતી આંતરરાજ્ય ’વેપન કાર્ટેલ’ ગેંગનો પર્દાફાશ કરી 16 હથિયાર સાથે મિરઝાપુરના સપ્લાયર સહીત પાંચની ધરપકડ કર્યા બાદ સતત બીજા દિવસે પીસીબીની ટીમે વધુ બે પિસ્તોલ સાથે ટ્યુબરની ધરપકડ કરી છે. પીસીબીની ટીમે અત્યાર સુધીમાં કુલ 6 સાગરીતોની ધરપકડ કરી તેમની પાસેથી 18 દેશી બનાવટના હથિયારો અને 30 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. પકડાયેલ મિરઝાપુરના સપ્લાયર સહીત પાંચ શખ્સોની ચાર દિવસના રિમાન્ડ ઉપર પુછપરછ શરૂૂ કરવામાં આવી છે.
અષાઢી બીજ નિમિત્તે યોજાનારી રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ અંતર્ગત ગુનાખોરી નિયંત્રણ માટે એક્શનમાં આવેલી પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ (પીસીબી) એ હથિયાર સપ્લાયનું નેટવર્કનો પર્દાફાશ કરી મુખ્ય સપ્લાયર મિરઝાપુરના શકીલ સાદિક મન્સૂરી અને જયસુખ ઉર્ફે જેસો વાઘેલાને 5 દેશી હથિયારો અને 20 કારતૂસ સાથે ઝડપી લીધા હતા. મુખ્ય આરોપી શકીલની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન ચોટીલા અને સુરેન્દ્રનગરના નેટવર્કનો ખુલાસો થયો હતો. તેની કબૂલાતના આધારે પોલીસે તપાસનો દોર લંબાવીને ચોટીલા ખાતેથી અનિલ વિરાભાઈ ખેતરિયા, ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરા અને પ્રદીપ અનકભાઈ કરપડાની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી વધુ 11 હથિયારો જેમાં પિસ્તોલ, કટ્ટા અને રિવોલ્વર શામેલ છે તેમજ 10 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
પીસીબીની ટીમ પોલીસની કાર્યવાહી અહીં જ અટકી ન હતી. પકડાયેલા આરોપી પ્રદીપ કરપડાની આકરી પૂછપરછમાં વધુ એક નામ સામે આવ્યું હતું કે તેણે અગાઉ લોધિકાના વડ વાજડી ગામના સંદીપસિંહ પ્રભાતસિંહ પરમારને હથિયારો આપ્યા હતા. જેને પગલે પી.સી.બી. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સંદીપસિંહ પરમારને 2 દેશી પિસ્તોલ, એક આઈ-20 કાર અને મોબાઈલ ફોન સાથે દબોચી લીધો હતો. આમ, આ સમગ્ર ઓપરેશનમાં કુલ પકડાયેલા હથિયારોની સંખ્યા 18 પર પહોંચી છે. પકડાયેલ સંદીપસિંહ પોતે યુ-ટ્યુબર છે અને સોશિયલ મીડિયામેં અનેક ગીતો ઉપર તે પ્રખ્યાત છે.
પીસીબીએ આ સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ રૂૂ.5,53,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 10 પિસ્તોલ, 5 કટ્ટા, 1 રિવોલ્વર, 30 કારતૂસ, પાંચ મોબાઈલ અને એક વૈભવી કારનો સમાવેશ થાય છે. પકડાયેલા મિરઝાપુર ના સુત્રધાર સહીત પાંચ શખ્સોના ચાર દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ શરૂૂ કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે આટલી મોટી માત્રામાં હથિયારો પકડી પાડીને રાજકોટ પી.સી.બી. એ સંભવિત મોટી અનિચ્છનીય ઘટના ટાળવામાં મોટી સફળતા મેળવી છે. પી.સી.બી. પી.આઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે.જાડેજા અને પી.બી.ત્રાજીયા સહિતનો સ્ટાફ વધુ તપાસ ચાલવી રહ્યો છે.
