અમારે 5100 નહીં 19 હજાર કરોડ લેવાના છે; સાંડેસરા કેસમાં બેંકો સુપ્રીમમાં

રૂા.5100 કરોડમાં સેટલમેન્ટ પછી બેંકોની અચાનક પલટી 14,000 કરોડનું નુકસાન થવાની અરજી સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના પ્રમોટર નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા સામેની ફોજદારી કાર્યવાહી પડતી…

રૂા.5100 કરોડમાં સેટલમેન્ટ પછી બેંકોની અચાનક પલટી 14,000 કરોડનું નુકસાન થવાની અરજી

સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના પ્રમોટર નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા સામેની ફોજદારી કાર્યવાહી પડતી મૂકવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે એક નવો વળાંક આવ્યો છે. તમામ લેણદાર બેન્કોએ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું છે કે સાંડેસરા ગ્રૂપનું કુલ દેવુ રૂૂ. 19,000 કરોડ રૂૂપિયાથી વધુ છે. આમ, સુપ્રીમ કોર્ટ દ્વારા સાંડેસરા બંધુઓને રાહત અપાશે, તો અમને સીધું રૂૂ. 14,000 કરોડનું નુકસાન થશે.

સ્ટર્લિંગ બાયોટેક ગ્રૂપના વડોદરાના સાંડેસરા બંધુઓ પર આરોપ હતો કે, તેમણે બેન્કો પાસેથી હજારો કરોડની લોન લઈને તમામ નાણાં વિદેશમાં સગેવગે કરી નાખ્યા હતા. સીબીઆઈ અને ઈડી જેવી એજન્સીઓ તેમની પાછળ પડી હતી અને બંને ભાઈ દેશની બહાર (નાઈજીરિયા/અલ્બેનિયા) છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ કોઈ છેતરપિંડી નથી પણ બિઝનેસમાં થયેલું નુકસાન છે. અમે સમાધાન માટે તૈયાર છીએ.

ગયા વર્ષે 19 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો સાંડેસરા ગ્રૂપ રૂૂ. 5,100 કરોડ જમા કરાવે, તો તેમની સામેના તમામ ફોજદારી કેસ બંધ કરી દેવાશે. આ રકમ તપાસ એજન્સીઓ અને બેન્કો સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરાઈ હતી. એટલું જ નહીં, સાંડેસરા ગ્રૂપે પણ રકમ ભરી દેવાની તૈયારી બતાવી હતી.

હવે રૂૂ. 5,100 કરોડની વહેંચણીની વાત આવી, ત્યારે બેન્કોએ સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી કરી. આ અરજીમાં ચોંકાવનારો ખુલાસો થયો કે સાંડેસરા ગ્રૂપ પાસેથી બેન્કોનું કુલ લેણું રૂૂ. 19,283.77 કરોડ હતું. એટલે કે રૂૂ. 5,100 કરોડના સેટલમેન્ટ છતાં બેન્કોને અંદાજે રૂૂ. 14,000 કરોડ રૂૂપિયાનું સીધું નુકસાન થઈ રહ્યું છે.
આ અંગે બેન્કોએ કોર્ટને જણાવ્યું છે કે, અમે આ રકમ અંદરોઅંદર વહેંચી લેવા માટે એક ફોર્મ્યુલા નક્કી કરી છે. જેમ કે, આ ફોર્મ્યુલા હેઠળ વિદેશની પાંચ સંસ્થાઓ કે, જેમના રૂૂ. 463 કરોડ બાકી છે, તેમને આ સેટલમેન્ટમાંથી રૂૂ. 120.8 કરોડ મળશે.

તાજેતરની સુનાવણીમાં સાંડેસરા ગ્રૂપના વકીલે ફરિયાદ કરી કે સુપ્રીમ કોર્ટના સેટલમેન્ટના આદેશ પછી પણ ’સેબી’ તેમની સામે કાર્યવાહી ચાલુ રાખી રહી છે. આ દલીલ મુદ્દે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મહેશ્વરી અને જસ્ટિસ ચાંદુરકરની બેન્ચે સવાલ કર્યો કે, ’જ્યારે સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો હોય, ત્યારે સેબી વચ્ચે કેમ આવે છે?’ હવે આ મુદ્દે 23 માર્ચના રોજ આગામી સુનાવણી થશે.

આ અંગે સાંડેસરા ગ્રૂપનું કહેવું છે કે, અમે અગાઉ જ રૂૂ. 3,507 કરોડ જમા કરાવી દીધા છે. બેન્કોએ હરાજી દ્વારા રૂૂ. 1,192 કરોડ વસૂલ્યા છે. હવે વધારાના રૂૂ. 5,100 કરોડ ભરીને અમે આખો મામલાની કાયમી પતાવટ ઈચ્છીએ છીએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *