ઉનાળાના પ્રારંભે જ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો દેકારો બોલી ગયો છે. ડીઆઈ લાઈન નાખવાની કામગીરી દરમિયાન જૂની લાઈનો તુટવાની ઘટનામાં વધારો થયો છે. ત્યારે વોર્ડ નં. 11માં અંબિકા ટાઉનશીપમાં અનેક એપાર્ટમેન્ટમાં ઓછા ફોર્સથી પાણી આવવાનીફરિયાદો થવા છતાં આજ સુધી નિરાકરણ ન આવતા સ્થાનિકોએ આજે કોર્પોરેશન ખાતે આવી બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી ઘટતુ કરવામાં નહીં આવે તો આંદોલન સાથે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
અંબીકા ટાઉનશીપના અનેક નાનામોટા ફ્લેટ ધારકોએ પીવાનું પાણી ઘણા સમયથી ન મળતું હોવાનું અથવા ઓછા ફોર્સથી એક-બે ડોલ પાણી આવતું હોવાની ફરિયાદ સાથે આજે કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા પરિવારની નીચે મુજબની અરજ કરે છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલા નાના-નાના ફ્લેટો એપાર્ટમેન્ટને પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી. અમુક મોટી સોસાયટી તથા હાઈરાઈઝ બિલ્ડીંગ તથા ટાવર વાળા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની પાણી વિતરણ કરતા સ્ટાફ તથા અન્ય અધિકારી સામે પૈસા દ્વારા સેટીંગ કરી વધારે પાણી વિતરણ કરવામાં આવે છે.
અંબીકા ટાઉનશીપમાં આવેલ ગેટકો વોટર સંપનું કામ આજ દિન સુધી એજન્સી દ્વારા પુરુ કરવામાં ાવેલ નથી. છતાં ટેન્ડર મુંજબ કંપની પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ નથી. અંબીકા ટાઉનશીપ તથા વોર્ડ નં. 11માં પાણી વિતરણનો સમય વધારવામાં આવે અને પુરતા ફોર્સથી પાણી આપવામાં આવે. ઉપરોક્ત મુદ્દાઓનો નિકાલ કરવામાં નહીં આવે તો અંબીકા ટાઉનશીપ વિસ્તારના તમામ પરિવાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકા પાસે ઉગ્ર આંદોલન તથા ધરણા કરવામાં આવશે. તેમ જણાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
શહેરના છેવાડાના વિસ્તારોમાં દર વર્ષે ઉનાળામાં જ પાણીની ફરિયાદો વધુ ઉઠતી હોય છે. હાલ શહેરભરમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાની કામગીરી માટે આડેધડ ખોદકામ કરવામાં આવતું હોય પાણીની લાઈનો તુટી જવાની મોટાભાગના વિસ્તારોમાંથી ફરિયાદો આવી રહી છે. જેનું રિપેરીંગ પણ કરવામાં આવે છે. છતાં લાઈનો તુટવાથી પાણીમાં ધુળ, માટી ભળી જવાની પણ ફરિયાદો ઉઠી છે. તેમજ નવા વાલ ફીટ કરવામાં આવતા હોય ટેસ્ટીંગ ચાલુ હોય ઓછા ફોર્સથી પાણી આવાની ફરિયાદો દિવસે દિવસે વધવા લાગી છે. જેમાં વોર્ડ નં. 11ના મોટાભાગના વિસ્તારોમાં પણ આ પરિસ્થિતિ ઉદ્ભવી છે.
