રાજકોટ ઉપર જળસંકટ, આજી-ન્યારી માત્ર 17થી 20 દિ’માં ડૂકી જશે

ચોમાસુ ખેંચાતા પીવાના પાણીની ચિંતા વધી : પાંચ-છ દિવસમાં નર્મદા નીર આજી-ન્યારી માટે છોડવાનું શરૂ નહીં થાય તો પાણીકાપ નિશ્ર્ચિત રાજકોટને પાણી પુરુ પાડતા ઘરઆંગણેના…

ચોમાસુ ખેંચાતા પીવાના પાણીની ચિંતા વધી : પાંચ-છ દિવસમાં નર્મદા નીર આજી-ન્યારી માટે છોડવાનું શરૂ નહીં થાય તો પાણીકાપ નિશ્ર્ચિત

રાજકોટને પાણી પુરુ પાડતા ઘરઆંગણેના જળાશયો ધારણા કરતા વહેલા તળિયાઝાટકના આરે આવી ગયા છે. શહેરના મુખ્ય આધારસ્તંભ એવા આજી-1 ડેમમાં સૌની યોજના હેઠળ અગાઉ થોડુ ઘણુ નર્મદા નીર ઠલવીને બાદમાં સમયસર ચોમાસુ બેસી જશે તેવી ધારણાથી આવક બંધ કરી દેવાઇ હતી. તો ન્યારી-1 ડેમમાં પણ જ આવી સ્થિતિ વચ્ચે અગાઉની ધારણાનું ગણિત વેરવિખેર થઇ ગયુ છે. આ વખતે ઉનાળના આકરા તાપ વચ્ચે પાણીનો વધુ ઉપાડ અને બાષ્પીભવનનું પ્રમાણ વધી જતાં ડેમ તળિયાઝાટક થવા તરફ આવી ગયા છે. ન કરે નારાયણ અને જો હજુ પણ વરસાદ ખેંચાશે અને આગોતરું પ્લાનીંગ કરીને વધારાનું નર્મદા નીર ઠલવવામા નહીં આવે તો ભયંકર જળસંકટ ઉભુ થાય તેવા એંધાણ અત્યારથી વર્તાઇ રહ્યા છે.

રાજકોટની દૈનિક પાણીની જરૂૂરિયાત પુરી કરવા માટે એક મોટો આધાર નર્મદા નીર ઉપર છે. જો આજી, ન્યારી ડેમમાં નવા નીર નહીં આવે તો નર્મદા મૈયા પર પોણા ભાગનો આધાર રાખવો પડશે. 917 એમસીએફટીની સંગ્રહક્ષમતા ધરાવતા આજી-1 ડેમમાં 360 એમસીએફટી જથ્થો છે પરંતુ ડેડલેવલને બાદ કરતા પુર્ણક્ષમતાએ પમ્પીંગ થઇ શકે તેટલો જથ્થો માત્ર 17થી 20 દિવસનો જ બાકી રહ્યો છે. આવી જ રીતે 1258 એમસીએફટીની સંગ્રહક્ષમતા ધરાવતા ન્યારી-1 ડેમમાં હયાત જળસ્ટોક 320 એમસીએફટીનો છે પણ પમ્પીંગથી ગ્રેવીટી સાથે ઉપાડી શકાય તેટલો જથ્થો વધીને 20 દિવસ સુધી ચાલે તેટલો જ છે. જ્યારે ભાદર ડેમમાંનો આધાર સિમિત છે. પાઇપલાઇનની ક્ષમતા મુજબ ભાદર ડેમમાં વધુ લેવલ હોવા છતા ઘટ પુરી શકાય તે રીતે વધુ ઉપાડ શક્ય નથી. આ બધા પરિબળો જોતા 15 દિવસમાં જો ઘરઆંગણેના જળાશયોમાં નવા નીર નહીં આવે તો ભયંકર જળસંકટ ઉભુ થશે તેમા શંકાને કોઇ સ્થાન નથી.

ઘરઆંગણેના જળાશયોની વર્તમાન સ્થિતિ, સરકારમાં મોકલાયેલો રિપોર્ટ
ડેમ કુલ    સંગ્રહ  ક્ષમતા           હાલની સ્થિતિ                         ક્યા સુધી ચાલશે
આજી 1   917 એમસીએફટી    360 એમસીએફટી                   6 જુલાઇ
ન્યારી 1   1248 એમસીએફટી    320 એમસીએફટી                4 થી 8 જુલાઇ
ભાદર 1   6640 એમસીએફટી   2200 એમસીએફટીથી વધુ     જુલાઇ અંત સુધી

દૈનિક 484 એમએલડીની માગ આ રીતે થાય છે પૂરી

ડેમ ઉપાડ
આજી 1 148 એમએલડી
ન્યારી 1 159 એમએલડી
ભાદર 43 એમએલડી
નર્મદા 134 એમએલડી

દૈનિક જરૂરિયાત 448 એમએલડી, તેમાંથી 134 એમએલડી નર્મદાનો આધાર
રાજકોટની અંદાજિત 19 લાખની વસતી માટે પાણીની જરૂૂરિયાત કુલ 448 એમએલડીની છે. અગાઉ વાવડી અને કોઠારિયા એ પછી માધાપર, ઘંટેશ્વર, મુંજકા, મોટામવા ગામ મળતા મહાપાલિકા ઉપર વધારાનો બોજ આવ્યો છે. કુલ દૈનિક 448 એમએલડીની જરૂૂરિયાત સામે 134 એમઅલડી તો નર્મદા ઉપર આધાર રાખવો પડે છે. આવા સંજોગોમાં જ ઘરઆંગણેના સ્ત્રોત આજી, ન્યારી ડેમમાં પમ્પીંગ ન થઇ શકે તેટલી ઘટ પુરવા નર્મદા નીરની જરૂૂરિયાત વધી શકે છે. એ જોતા સમયસર આજી-ન્યારીમાં નર્મદા નીર ન ઠલવાય તો ભયંકર જળસંકટના એંધાણ વર્તાઇ રહ્યા છે.

નર્મદા નિગમને અઠવાડિયા પહેલા માગણી કરતો પત્ર મોકલાયો, હજુ સુધી કોઇ પ્રત્યુત્તર નહીં
સૌની યોજના રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે આર્શિવાદરૂૂપ છે જ પણ કમનસીબી ક્યારેક એ થાય છે કે, બે હાથ જોડીને નર્મદાના પાણી માટે વિનંતી કરવા છતા સમયસર મળતુ નથી. આવી કમનસીબી વધુ એકવખત સર્જાઇ છે. એક રીતે કહેવામા આવે તો નર્મદા નિગમે ગંભીરતા ન લીધી હોય તેવુ પણ કહી શકાય. જાણવા મળ્યા મુજબ સિંચાઇ વિભાગે રાજકોટ માટે સૌની યોજના માટે નર્મદા નીર છોડવા માટે 10 જુલાઇના રોજ દરખાસ્ત મોકલી હતી. જેનો હજુ સુધી કોઇ જવાબ આપ્યો નથી. મનપાના મેયર, કમિશનરે પણ વર્તમાન સ્થિતિ જોતા નજીકના દિવસોમાં આવી શકનાર સંકટ વિશે સરકારનું પણ ધ્યાન દોર્યુ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *