ફરાર શખ્સને પાળ ગામના ફાર્મ હાઉસમાંથી ઝડપી લેતી રેન્જ આઈ.જી.ટીમ
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગંભીર ગુનામાં બનાવ બન્યા ત્યારથી જ નાસતા-ફરતા મુખ્ય આરોપીને તેના ફાર્મહાઉસ માંથી રાજકોટ રેન્જ ટીમે ઝડપી લઇ શાપર પોલીસ હવાલે કર્યો છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુના આચરીને ફરાર થઈ ગયેલા આરોપીઓને વહેલી તકે શોધી કાઢી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ સૂચનાના પગલે રાજકોટ રેન્જના પી.આઈ અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે ફરારી આરોપીઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પી.એસ.આઈ. બી.સી. મીયાત્રા તથા સ્ટાફના કુલદીપસિંહ ચુડાસમા, વકારભાઈ અરબ અને અનિરુદ્ધસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને શાપર-વેરાવળના લેન્ડ ગ્રેબિંગ હેઠળના ગુનાના ફરાર આરોપી હિતેશભાઈ વાલજીભાઈ કોરાટ (રહે. વેરાવળ-શાપર, તા. કોટડાસાંગાણી)ને ઝડપી લીધો હતો.
આરોપીને પાળ ગામની સીમમાં આવેલ ગોવિંદભાઈ ઉર્ફે ગાંડુભાઈ મેઘાણી પટેલની વાડીના મકાનમાંથી દબોચી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. રેન્જ ટીમની આ ત્વરિત કામગીરીથી ભૂમાફિયાઓ અને ગુનેગારોમાં ભારે ફાળ પડી છે.
