રક્ષાબંધનના પવિત્ર તહેવારને માત્ર ભાઈ-બહેનના સ્નેહના સંબંધ પૂરતો સીમિત ન રાખતા, પ્રકૃતિ સાથે ભાવનાત્મક સેતુ બાંધવાનો એક પ્રેરણાદાયી અભિગમ સુરતના કતારગામની વી.એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા અપનાવવામાં આવ્યો છે. શાળાની 70 દીકરીઓએ રક્ષાબંધનના પાવન અવસર પૂર્વે આજે કતારગામના ધોળકિયા ગાર્ડન ખાતે 70 વૃક્ષોને રાખડી બાંધીને પર્યાવરણ સંરક્ષણ અને તેના જતનની પ્રેરણાદાયી પ્રતિજ્ઞા લીધી હતી.
આ બાગમાં દીકરીઓએ પોતપોતાના ફાળવાયેલા વૃક્ષને ચાંદલો કરી, આરતી ઉતારીને રાખડી બાંધી હતી. આ સાથે જ દીકરીઓએ આજીવન આ વૃક્ષોની જાળવણી કરવાની જવાબદારી પણ સ્વીકારી છે. નોંધનીય છે કે, દીકરીઓ માટે વૃક્ષો અગાઉથી જ નિર્ધારિત કરવામાં આવ્યા હતા અને વૃક્ષોના કદને અનુરૂૂપ ખાસ રાખડીઓ તૈયાર કરાઈ હતી.શાળાના ચેરમેન અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, વૃક્ષ વાવવું એ શરૂૂઆત છે, પરંતુ તેને ઉછેરવું અને જાળવવું એ સાચી જવાબદારી છે.
ધરતીને હરિયાળી અને સમૃદ્ધ બનાવવાની વિચાર ધારાને આગળ વધારતા વૃક્ષારોપણ સાથે તેના સંરક્ષણને જન આંદોલનનું સ્વરૂૂપ આપવાનો આ નમ્ર પ્રયાસ છે.આ તકે સંસ્થાના ભાવેશભાઈ લાઠીયાએ જણાવ્યું હતું કે, જેમ રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનની રક્ષાનો સંકલ્પ લે છે, તેવી જ ભાવના સાથે આ વર્ષે દીકરીઓએ વૃક્ષોની રક્ષા અને સંભાળનો સંકલ્પ લીધો છે. આ પહેલનો મુખ્ય હેતુ વૃક્ષો સાથે માત્ર પર્યાવરણીય જ નહીં, પરંતુ ગાઢ લાગણી અને આત્મીયતાનો સંબંધ વિકસાવવાનો છે.
શાળાના પ્રિન્સિપાલ દિવ્યાબેન ગજ્જરે જણાવ્યું કે, માત્ર વૃક્ષો વાવવા પૂરતું નથી, પરંતુ તેનું જતન કરવું તેટલું જ અનિવાર્ય છે. જ્યારે લોકો વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડાય છે, ત્યારે તેના સંરક્ષણની ભાવના વધુ દૃઢ બને છે.
