ગુજરાત સહિત 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠક પર 18 જૂને મતદાન

મતદાન પૂર્ણ થતા જ મતગણતરી, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજયસિંહ, પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે દેશમાં ખાલી થઈ રહેલી રાજ્યસભાની બેઠકોને લઈને ચૂંટણી પંચે…

મતદાન પૂર્ણ થતા જ મતગણતરી, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજયસિંહ, પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે

દેશમાં ખાલી થઈ રહેલી રાજ્યસભાની બેઠકોને લઈને ચૂંટણી પંચે એક મોટું જાહેરનામું બહાર પાડીને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત દેશના 10 રાજ્યોની કુલ 24 રાજ્યસભા બેઠકો પર આગામી જૂન મહિનામાં ચૂંટણી યોજાશે.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર, દેશના 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર પેટાચૂંટણી (અથવા દ્વિવાર્ષિક ચૂંટણી) યોજાવા જઈ રહી છે. આ બેઠકો પર આગામી 18 જૂન 2026 ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂૂ કરી દેવાશે અને રાત સુધીમાં તમામ પરિણામો સ્પષ્ટ થઈ જશે.

પંચના જણાવ્યા મુજબ, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 20 જૂન 2026 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.
આ ચૂંટણીમાં જે 10 રાજ્યો સામેલ છે તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, રાજસ્થાન, અરૂૂણાચલ પ્રદેશ, કર્ણાટક અને મિઝોરમનો સમાવેશ થાય છે. આ યાદીમાં સૌથી વધુ 4-4 બેઠકો ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી ખાલી થઈ રહી છે. જ્યારે રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ગેહલોત, નીરજ ડાંગી અને રવનીત સિંહની બેઠકો ખાલી થશે.

જે 24 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈ 2026માં સમાપ્ત થઈ રહ્યો છે, તેમાં દેશના અનેક મોટા રાજકીય ચહેરાઓ સામેલ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ અને દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા જેવા વરિષ્ઠ નેતાઓની બેઠકો પર ફરીથી પ્રતિનિધિઓ ચૂંટવામાં આવશે. રાજ્યસભામાં સંખ્યાબળ જાળવી રાખવા માટે ભાજપ અને વિપક્ષી ગઠબંધન બંને પોતપોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત થઈ ગયા છે.

મતદાન પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શી અને નિષ્પક્ષ રાખવા માટે ચૂંટણી પંચે ખાસ ઓબ્ઝર્વર્સ (પર્યવેક્ષકો) ની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે પંચે એક કડક આદેશ જારી કર્યો છે કે મતદાન દરમિયાન મતદારોએ (ધારાસભ્યોએ) માત્ર રિટર્નિંગ ઓફિસર દ્વારા આપવામાં આવતી ખાસ જાંબલી (Purple) રંગની સ્કેચ પેન નો જ ઉપયોગ કરવાનો રહેશે. જો કોઈ સભ્ય અન્ય કોઈ પણ પેન અથવા રંગથી બેલેટ પેપર પર નિશાન કરશે, તો તેનો વોટ અમાન્ય (રદ) ગણવામાં આવશે.

ગુજરાતમાં કયા રાજ્યસભા સાંસદનો કાર્યકાળ થશે પૂર્ણ
ગુજરાતના રાજ્યસભાના સાંસદો રામભાઈ મોકરીયા, અમીન યાજ્ઞિક, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા નિવૃત્ત થતાં રાજ્યસભાની બેઠકો ખાલી પડશે. જેથી ખાલી પડેલી બેઠકો પર 18મી જૂને સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી થશે. આ માટે 1લી જૂને જાહેરનામું બહાર પડશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8મી જૂન નક્કી કરાઈ છે. મતદાન માટે પંચ દ્વારા ફિક્સ કરાયેલી ખાસ વાયોલેટ સ્કેચ પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. પહેલીવાર રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસ મુક્ત બનવા જઈ રહી છે. માત્ર 12 ધારાસભ્યો એક બેઠક પણ સાચવી શકે તેમ નથી. લોકસભામાં કોંગ્રેસ પાસે 26 માંથી માત્ર એક બેઠક છે. વિધાનસભામાં માત્ર 12 બેઠક હતી, રાજ્યસભામાં માત્ર એક બેઠક કોંગ્રેસ પાસે રહી હતી, હવે એ પણ નહિ હોય. આમ, લોકસભા, વિધાનસભા બાદ રાજ્યસભામાં પણ ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો નિશ્ચિત બન્યો છે. સમ ખાવા પૂરતી એક બેઠક પણ નહિ મળે. હાથમાં હતી એ બેઠક પણ જતી રહેશે. તેથી હવે કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પાસે પણ પદ નહિ રહે.

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ચૂંટણી જાહેરનામું (Notification): 1 જૂન 2026
નામાંકન (Nomination) ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન 2026
નામપત્રોની ચકાસણી (Scrutiny): 9 જૂન 2026
નામ ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન 2026
મતદાન અને પરિણામ: 18 જૂન 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *