રાજકોટમાં ફરી મતદારો ભાજપને આશીર્વાદ આપશે: અનિરૂધ્ધ દવે

આઝાદી બાદ માત્ર એક વખત વિપક્ષને લોકોએ તક આપી હતી અને તે પણ તેણે ગુમાવી દીધી, ગુજરાતભરમાં ફરી ભગવો લહેરાશે કોંગ્રેસ કયાંય ચિત્રમાં નથી, આમ…

આઝાદી બાદ માત્ર એક વખત વિપક્ષને લોકોએ તક આપી હતી અને તે પણ તેણે ગુમાવી દીધી, ગુજરાતભરમાં ફરી ભગવો લહેરાશે

કોંગ્રેસ કયાંય ચિત્રમાં નથી, આમ આદમી અરાજકતાવાદી પાર્ટી છે. મતદારો માત્ર વિકાસની રાજનીતિને મત આપે છે અને ભાજપ સામે વિકાસ આપે છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોતરફ ભાજપનો ભગવો ફરી એક વખત લહેરાશે. રાજકોટમાં તો અત્યાર સુધી મતદારોએ ભાજપે બે હાથે આશિર્વાદ આપ્યા જ છે અને આ ચૂંટણીમાં પણ આશિર્વાદ આપશે તેવો અમને ચોક્કસ આત્મ વિશ્ર્વાસ છે તેમ ભાજપના પ્રદેશ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવેએ જણાવ્યું હતું.

‘ગુજરાત મિરર’ની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજકોટ ભાજપના ચૂંટણી પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, ભારત સ્વતંત્ર થયું ત્યારથી અત્યાર સુધીમાં રાજકોના મતદારોએ માત્ર એક વખત વિપક્ષને તક આપી છે અને તેમાં પણ વિપક્ષ સારૂ શાસન આપી શકયો નથી. આ સિવાય કાયમ ભાજપને આશિર્વાદ આપ્યા છે. સામે ભાજપે રાજકોટ મહાનગરપાલિકામાં સુશાસન અને વિકાસ આપ્યો છે. રાજકોટનો સર્વાંગી વિકાસ કરવામાં કોઈ કસર છોડી નથી. આગામી સમયમાં પણ મતદારોના આશિર્વાદ સાથે આ વિકાસયાત્રા અવિરત ચાલુ રહેશે એ રાજકોટ આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસે તેવી અમારી નેમ છે.

તેમણે જણાવ્યું કે, ગુજરાતની ડબલ એન્જિન સરકારે રાજકોટમાં સૌરાષ્ટ્રની રિજિયન વાયબ્રન્ટ સમિટ યોજીને સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવા નવું પ્લેટફોર્મ આપ્યું છે. ખુદ વડાપ્રધાન મોદીએ રાજકોટ આવી તક ઝડપી લેવા વિશ્ર્વને આહવાન કર્યુ હતુ. ધીરે ધીરે રાજકોટ માટે બધુ મૂર્તિમંત થઈ રહ્યું છે. શહેરની સુખાકારીમાં વૃધ્ધિનો પ્રયાસ સતત થઈ રહ્યો છે. અ વિકાસ યાત્રાને આગળ ધપાવવા અઢારેય વોર્ડમાં મતદારો ભાજપને આશિર્વાદ આપશે.

તેમણે જણાવ્યું હતું કે, માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનો જય જય કાર થશે. અત્યાર સુધીમાં 700 થી વધુ બેઠકો તો ભાજપને બિનહરીફ મળી ચુકી છે. કોંગ્રેસ પાસે પુરતા ઉમેદવારો પણ નથી એ કોંગ્રેસ કયાંય ચિત્રમાં પણ નથી. આમ આદમી પાર્ટી અંગે અનિરૂધ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, આપ એ અરાજકતાવાદી પાર્ટી છે. લોકોને ગેરમાર્ગે દોરીને રાજનીતિ કરે છે એટલે તો મતદારોએ તેમને દિલ્હીની સત્તામાંથી કાઢયા છે. ગુજરાતનાં લોકો પણ તેને ઓળખી ગયા છે.

ચૂંટણી ટાણે ભાજપમાં પ્રવર્તતા અસંતોષ અંગે તેમણે જણાવ્યું કે, ભાજપમાં ટિકીટ આપવાનું કામ પુરૂ થાય પછી કાર્યકર્તા ગમો-અણગમો છોડીને ભાજપને જીતાડવા કામે લાગી જતો હોય છે. આ વખતે પણ એવું જ છે. કાર્યકરને હવે બધુ ભુલીને ચૂંટણીના કામે લાગી ગયા છે. ભાજપના પ્રદેશ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે સાથે પ્રવકતા રાજુભાઈ ધ્રુવ અને શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે પણ ‘ગુજરાત મિરર’ની મુલાકાતે આવ્યા હતાં અને ચૂંટણીમાં ભાજપની વ્યુહરચના અંગે વાત કરી હતી.

લોહાણા સમાજ ભાજપ સાથે જ રહ્યો છે અને ભાજપ સાથે જ રહેશે
રાજકોટમાં મહાનગરપાલિકામાં ટિકીટના મુદ્દે લોહાણા સમાજમાં ઉઠેલા અસંતોષ અંગે ભાજપના પ્રદેશ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવેએ જણાવેલ કે, લોહાણા સમાજને રાજકોટમાં મેયર પદ આપ્યું છે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પણ બનાવ્યા છે અને શહેર ભાજપનું પ્રમુખ પદ આપ્યું છે. હાલ પણ શહેર ઉપરાંત પ્રદેશ કક્ષાએ અને યુવા મોરચામાં પણ અનેક હોદ્દાઓ પર લોહાણા સમાજનાં પ્રતિનિધિઓ છે. મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં પણ ટિકીટો આપી જ છે. છતાં સમાજને ગુમરાહ કરવા અમુક લોકો પ્રયાસ કરે છે તેમાં તેઓ ફાવશે નહીં. આ વ્યાપારી સમાજ ભાજપ સાથે જ રહ્યો છે અને ભાજપ સાથે જ રહેશે. તેવો અમને વિશ્ર્વાસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *