કોડીનારના પીપળી અને કડવાસણને પાલિકામાં ભેળવવાના નિર્ણયનો ગ્રામજનો દ્વારા વિરોધ

કોડીનાર નગરપાલિકાની સીમામાં તાલુકાના પીપળી અને કડવાસણ ગામોને ભેળવવાના વહીવટી પ્રસ્તાવના આ નિર્ણયના વિરોધમાં બંને ગામના મોટી સંખ્યામાં ગ્રામજનોએ કોડીનાર મામલતદાર કચેરીએ ધસી જઈ વિરોધ…

કોડીનાર નગરપાલિકાની સીમામાં તાલુકાના પીપળી અને કડવાસણ ગામોને ભેળવવાના વહીવટી પ્રસ્તાવના આ નિર્ણયના વિરોધમાં બંને ગામના મોટી સંખ્યામાં ગ્રામજનોએ કોડીનાર મામલતદાર કચેરીએ ધસી જઈ વિરોધ નોંધાવ્યો અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે.
સરકારના પત્ર અન્વયે નગરપાલિકા દ્વારા સુવિધાઓ વધારવાના બહાને કડવાસણ, પીપળી અને ગો.ખાણ ગામને પાલિકામાં ભેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જોકે, ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમને વિશ્વાસમાં લીધા વગર જ તાલુકા પંચાયતમાંથી ઠરાવો કરી ભાવનગર ઝોન સુધી મોકલી દેવાયા છે. લોકોનું કહેવું છે કે કડવાસણ ગામ પાલિકાથી 9 કિમી દૂર છે, જ્યારે માત્ર 1 કિમી દૂર આવેલું દેવળી ગામ બાકાત રખાયું છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, જો સરકાર દ્વારા પરાણે આ ગામોને પાલિકામાં ભેળવવાની કોશિશ કરવામાં આવશે, તો આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીનો ગ્રામજનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, “અમે ન્યાય માટે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને શહેરી વિકાસ વિભાગ સુધી રજૂઆતો મોકલી છે. જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અમે ઉગ્ર આંદોલન છેડીશું.” આ મામલે હવે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર શું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *