ઉનાના દરિયામાં વલસાડની ફિશિંગ બોટની જળસમાધિ, 12 ખલાસીઓને બચાવી લેવાયા

ઉના તાલુકાના દરિયાઈ પટ્ટામાં આવેલા નવાબંદર નજીક ભારે વરસાદ અને દરિયામાં ઉછળેલા મોજાં વચ્ચે વલસાડની એક ફિશિંગ બોટ અકસ્માતનો ભોગ બની દરિયામાં ડૂબી ગઈ હતી.…

ઉના તાલુકાના દરિયાઈ પટ્ટામાં આવેલા નવાબંદર નજીક ભારે વરસાદ અને દરિયામાં ઉછળેલા મોજાં વચ્ચે વલસાડની એક ફિશિંગ બોટ અકસ્માતનો ભોગ બની દરિયામાં ડૂબી ગઈ હતી. બોટ ભાથોડાવિસ્તારના દરિયાકાંઠા નજીક પથ્થર સાથે અથડાતાં અચાનક ક્ષતિગ્રસ્ત થઈ પાણીમાં ગરકાવ થઈ હતી.જોકે બોટમાં સવાર ટંડેલ સહિત 12 માછીમારોએ સમયસૂચકતા દાખવી દરિયામાં કૂદી પડતાં અને આસપાસ ફિશિંગ કરી રહેલી અન્ય બોટોના ખલાસીઓ તાત્કાલિક મદદે દોડી આવતાં તમામના જીવ બચી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વલસાડના માછીમારો ટંડેલ સહિત કુલ 12 ખલાસીઓ સાથે માઘવી નામની ફિશિંગ બોટ લઈને દરિયામાં માછીમારી માટે નીકળ્યા હતા. નવાબંદર નજીક દરિયામાં ફિશિંગ કર્યા બાદ ભારે વરસાદ અને પવનની સ્થિતિને પગલે બોટને સલામત રીતે કાંઠા તરફ લાવવામાં આવી રહી હતી.દરમિયાન રાત્રિનો અંધકાર છવાઈ જતાં નવાબંદર બંદર વિસ્તાર નો કાંઠો સ્પષ્ટ રીતે દેખાતોન હતો.બીજી તરફ દરિયામાં ભારે પવન ફૂંકાતા મોજાં ઉછળવા લાગ્યાં હતાં આ વિકટ પરિસ્થિતિ વચ્ચે બોટ આગળ વધી રહી હતી ત્યારે ભાથોડા વિસ્તાર નજીક અચાનક બોટનો પથ્થર સાથે જોરદાર અકસ્માત થયો હતો.

ભાથોડા વિસ્તારના પથ્થર સાથે અથડાયા બાદ બોટમાં નુકસાન થતાં પાણી ભરાવા લાગ્યું હતું. દરિયાની વિકટ સ્થિતિ અને ઉછળતાં મોજાં વચ્ચે બોટને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર જતાં બોટ ધીમે ધીમે દરિયામાં ડૂબવા લાગી હતી. બોટ જળસમાધિ લેતી હોવાનું જણાતાં તેમાં સવાર ટંડેલ સહિતના 12 માછીમારોએ જીવ બચાવવા તાત્કાલિક દરિયામાં કૂદકો માર્યો હતો.

રાત્રિના અંધકાર વચ્ચે દરિયામાં ફસાયેલા માછીમારો માટે ક્ષણો અત્યંત ભયજનક બની હતી આ ઘટનાની જાણ થતાં જ નવાબંદર વિસ્તારમાં આસપાસ માછીમારી કરી રહેલી અન્ય બોટોના ખલાસીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.દરિયામાં તરતા માછીમારોને શોધી-શોધી ને અન્ય બોટોમાં ખેંચી લેવામાં આવ્યા હતા.ફિશિંગ બોટોના ખલાસીઓની સમયસરની મદદના કારણે ટંડેલ સહિત તમામ 12 માછીમારોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *