20 લાખની સામે 75 લાખમાં જમીન બીજાને વેંચી દીધી : પડધરી પોલીસમાં ફરિયાદ
દસ્તાવેજ સમયે રજીસ્ટ્રાર સામે ‘હા’ નહીં બોલે તો જાનથી મારી નાખીશ, ધમકી આપી જમીન પચાવી પાડી
રાજકોટ ગ્રામ્યના પડધરી તાલુકાના ઊકરડા ગામે રહેતા અને રઘુનંદન સ્પીનિંગ મિલમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા ગણેશભાઈ રવજીભાઈ રાબડીયા નામના 43 વર્ષીય ખેડૂતે વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આશરે 11 વર્ષ પહેલા ગણેશભાઈએ પોતાની જમીન પરના જૂના ધિરાણના હપ્તા ભરવા માટે પૈસાની જરૂૂરિયાત ઊભી થતા રાજકોટના નાના મવા રોડ પર ઓફિસ ધરાવતા અલ્પેશ ગોપાલભાઇ દોગાનો સંપર્ક કર્યો હતો. શરૂૂઆતમાં 2 ટકા વ્યાજે નાની રકમો લીધા બાદ, અલ્પેશ દોગાએ ગણેશભાઈને વિશ્વાસમાં લઈ કટકે-કટકે કુલ 20 લાખ રૂૂપિયાનું ધિરાણ આપ્યું હતું. આ રકમના બદલામાં આરોપીએ ખેડૂત પાસેથી સહી કરેલા ચાર કોરા ચેક પડાવી લીધા હતા અને ખેડૂતની મજબૂરીનો લાભ લઈ તેની કિંમતી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું.
ફરિયાદ મુજબ, 20 લાખના ધિરાણ સામે અલ્પેશ દોગાએ ગણેશભાઈને તેની ઊકરડા ગામની રેવન્યુ સર્વે નંબર 299 પૈકી 2 ની 3 એકર જેટલી જમીનનું સાટાખત કરી આપવા દબાણ કર્યું હતું. આરોપીએ વિશ્વાસ આપ્યો હતો કે રકમ પરત મળતા તે સાટાખત રદ કરી દેશે, પરંતુ બાદમાં તે પોતાની વાત પરથી ફરી ગયો હતો. આરોપીએ ગણેશભાઈને ધમકી આપી હતી કે જો તે જમીનનો દસ્તાવેજ નહીં કરી આપે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવામાં આવશે. એટલું જ નહીં, કોરા ચેકમાં મોટી રકમો ભરી જેલમાં ધકેલી દેવાની બીક બતાવી આરોપીએ બળજબરીપૂર્વક ખેડૂતની સહીઓ મેળવી લીધી હતી. આ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂૂપે આરોપી અલ્પેશે આ કિંમતી જમીન પોતાના મિત્ર નીલેશભાઈ તળશીભાઈ કાછડીયાના નામે કરાવી લીધી હતી.
નવાઈની વાત એ છે કે, જે તે સમયે આ જમીનની બજાર કિંમત આશરે 75 લાખ રૂૂપિયા જેટલી હતી, તેમ છતાં વ્યાજખોરોએ માત્ર 20 લાખના ધિરાણ સામે આખી મિલકત પચાવી પાડી હતી. જ્યારે ખેડૂતે પોતાની જમીન પરત માંગણી કરી, ત્યારે આરોપીઓએ તેને “હવે જમીન ભૂલી જા” કહી ધમકાવી કાઢ્યો હતો અને 5 ટકાના ઊંચા વ્યાજની ઉઘરાણી શરૂૂ કરી હતી.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપીઓએ આ જમીન આગળ અન્ય વ્યક્તિઓને વેચી દીધી હતી, જેના કારણે છેવટે ખેડૂતે જમીનનો કબજો ગુમાવવો પડ્યો હતો. આટલું ઓછું હોય તેમ, ફરિયાદીએ આપેલા ચાર કોરા ચેક પણ હજુ સુધી આરોપીઓએ પરત કર્યા નથી.
આ કેસમાં મુખ્ય આરોપી અલ્પેશ ગોપાલભાઇ દોગા રીઢો વ્યાજખોર હોવાનું જણાય છે, કારણ કે તેની વિરુદ્ધ અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં આ જ પ્રકારના ત્રણેક જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
પોલીસ ચોપડે ચડી ચૂકેલા આ શખ્સે અનેક ગરીબ લોકોની મિલકતો પચાવી પાડી હોવાની શંકા સેવાઈ રહી છે.
હાલ પડધરી પોલીસે ગણેશભાઈ રાબડીયાની ફરિયાદના આધારે અલ્પેશ દોગા અને નીલેશ કાછડીયા વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 386 (ભય બતાવી મિલકત પડાવવી), 120-બી (ગુનાહિત કાવતરું) તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. ચૌહાણ ચલાવી રહ્યા છે.
