રાજકોટમાં વરસાદ ખેંચાતા અને દુષ્કાળના અમંગળ એંધાણ વચ્ચે કલોરીનેશન થયેલા પીવાના પાણીની કરકસર માટે આગોતરા આયોજનની કવાયત શરૂ
રાજકોટમાં ચોમાસુ સતાવાર બેસી ગયુ તેને આજે એક મહિનો થઇ ગયો છે. એમછતા શહેરની તરસ છીપાવતા ઘરઆંગણેના આજી-1, ન્યારી-1, ભાદર, લાલપરી-રાંદરડામાં નવા નીર આવ્યા નથી. શહેર ઉપર પીવાના પાણી માટે સંકટ તોળાઇ રહ્યુ છે. જો કે સૌની યોજના હેઠળ નર્મદા નીરનો વિકલ્પ મોજુદ છે જ પણ નર્મદા નીર રાજકોટ સુધી પહોંચાડવા માટે કરોડો રૂૂપિયાના ખર્ચનો બોજ આવી શકે છે. એ જોતા પાણી બચત, ક્યાથી સસ્તુ પાણી લઇ આવવુ એ સહિત આગોતરા આયોજનની કવાયત મનપામાં શરૂૂ થઇ ચુકી છે. તેના ભાગરૂૂપે બાંધકામ, બગીચા, કારખાના, ગેરેજ સહિતમાં શહેરમાંથી નીકળતા ભુગર્ભ ગટરના શુધ્ધિકરણ પ્લાન્ટનું ટ્રીટ થયેલુ પાણીનો વપરાશ ફરજિયાત બનવા જઇ રહ્યો છે. જળાશયોમાં નવા નીર નહીં આવે તો ટુંક સમયમાં જ ટ્રીટેડ વોટરના ફરજિયાત વપરાશનું ફરમાન સતાવાર રીતે જાહેર કરવામા આવશે તેમ મનપાના સુત્રોમાંથી જાણવા મળે છે.
મનપા દ્વારા ક્લોરીનેશન કરીને પીવા માટે વિતરણ કરવામા આવે છે એ પાણીનો ઉપયોગ શહેરમાં બનતી બાંધકામ સાઇટ, બગીચા, ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં અપાયેલા વોટર કનેકશન, વાહન ગેરેજ સહિતના સ્થળે પણ થાય છે. આવી જગ્યાએ સુએઝનું ટ્રીટમેન્ટ કરેલુ પાણી વાપરી શકાય છે. પીવાના પાણીની બચત કરવાના અભિગમ સાથે મનપાએ સંભવિત જળકટોકટી સામેના આગોતર આયોજનમાં ટ્રીટેડ વોટર વપરાશ ફરજિયાત કરવાનું હાથ પર લીધુ છે.
રાજકોટમાંથી નીકળતુ ગંદુ પાણી ટ્રીટમેન્ટ કરીને હાલ ન્યારી-2, આજી-2 સહિતના જળાશયોમાં છોડવામા આવે છે. આ પાણીનો સદઉપયોગ કરીને પીવાના પાણીની કરકસર કરવા માટે ગંદા પાણીના રિ-યુઝ માટેનું આયોજન મનપાએ કર્યુ છે. બાંધકામ સાઇટ, બગીચા કે પ્લે ગ્રાઉન્ડ માટે, કારખાનાઓમાં, ખેતીમાં ટ્રીટેડ થયેલુ પાણી રિ-યુઝ થઇ શકે છે. બિલ્ડરો સહિત આવી જગ્યાએ સુએઝનું જ ટ્રીટ થયેલુ પાણી ફરજિયાત વાપરવાનું રહેશે તેવો કડક નિયમ અમલી બનવા જઇ રહ્યો છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી રૂૂ.13માં 1000 લિટર વેંચાતુ આપવાનો ઠરાવ પણ અગાઉ થઇ ચુકેલો છે.
અગાઉ મનપાએ ઔદ્યોગિક વસાહત એસો. સાથે કરેલી મીટિંગમાં તમામે સહમતિ પણ દર્શાવી હતી
મનપાએ થોડા સમય પહેલા જીઆઇડીસી સહિત વિવિધ સંગઠનોનો સામેથી સંપર્ક કર્યો હતો. આજી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન, ઉપરાંત શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, મેટોડા-લોધિકા જીઆઇડીસી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ વન વિભાગ સહિતનાએ સુએઝ વોટર ખરીદવા સહમતી દર્શાવી હતી.
રાજકોટની દૈનિક જરૂરિયાત 445 MLDની, તેની સામે 236 MLD થાય છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ
રાજકોટની 20 લાખની જનતાને પાણી પુરુ પાડવા માટે મનપા સ્થાનિક આજી-1, ન્યારી-1, ભાદર, લાલપરી, અને નર્મદા સહિતના સોર્સમાંથી કુલ 445 એમએલડી પાણી ઉપાડીને વિતરણ કરે છે. જેની સામે ભૂગર્ભ ગટર દ્વારા નિકાલ થતા વેસ્ટ વોટરનું પ્રમાણ દૈનિક 236 MLD છે. મનપાના તમામ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં દરોજ કુલ 236 MLD પાણીનુ શુધ્ધિકરણ થાય છે. શુધ્ધિકરણ પ્લાન્ટની કુલ ક્ષમતા તો 303 MLDની છે.
સુરત મનપા ટ્રીટેડ વોટર વેચીને વર્ષે 200 કરોડની આવક કરે છે, રાજકોટ મનપા ન કરી શકે?
મનપાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ભૂગર્ભ ગટરના પાણીનું શુધ્ધિકરણ કરીને અનેક જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય તેમ છે. ટ્રીટમેન્ટન ખર્ચ નીકળી જાય તેટલા જ મામુલી ચાર્જમાં મનપા આ પાણી જેમને જોઇતુ હોય તેને વેંચે છે. સુરત મહાનગરપાલિકા આ રીતે વર્ષે રૂૂ.200 કરોડની આવક કરે છે. રાજકોટમાં પીવાના પાણી માટે મનપા દ્વારા વિતરણ થતા પાણીનો વપરાશ બંધ કરાવીને ફરજિયાતપણે ટ્રીટેડ વોટર વાપરી શકાય તેવી જગ્યાએ ફરજ શા માટે ન પાડી શકે?
આ 7 જગ્યાએ STP પ્લાન્ટ, થાય છે ગટરના પાણીનું શુધ્ધિકરણ
માધાપરમાં 2 પ્લાન્ટ
રૈયાધારમાં 1 પ્લાન્ટ
રૈયા ગામમાં 1 પ્લાન્ટ
ગવરીદડમાં 1 પ્લાન્ટ
કોઠારિયામાં 2 પ્લાન્ટ
