ભાણવડ શહેર તથા તાલુકામાં વિવિધ પ્રકારે ધાર્મિક સ્થળોના દબાણ થઈ ગયા હોવાનું તંત્રના ધ્યાને આવતા આને અનુલક્ષીને અહીંના મામલતદાર દ્વારા એક યાદી જાહેર કરીને આ પ્રકારના ધાર્મિક સ્થળોના દબાણો તેમના વહીવટદાર, પ્રમુખ, ટ્રસ્ટી કે સંચાલક દ્વારા સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આ અંગે ભાણવડ મામલતદારની યાદીમાં જણાવાયા મુજબ સુપ્રીમ કોર્ટ સમક્ષ થયેલી અરજી તેમજ હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલી એપ્લિકેશન અન્વયે રાજ્યમાં જાહેર સ્થળો, રોડ, રસ્તા તેમજ જગ્યાઓ પરના ધાર્મિક દબાણો દૂર કરવા અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. જેથી ભાણવડ તાલુકામાં સરકારી જમીન પર આવેલા ધાર્મિક સ્થાનકના વહીવટદાર, પ્રમુખ, ટ્રસ્ટી કે સંચાલક માટે જણાવવામાં આવેલી આ યાદીમાં તેમના હસ્તકના ધાર્મિક સ્થાનકવાળી સરકારી જમીનમાંથી આ અનઅધિકૃત ધાર્મિક દબાણ સ્વખર્ચે પંદર દિવસમાં દૂર કરી, સરકારી જમીનનો કબજો સોંપી આપવો. નહીંતર ઉપરોક્ત સવાલ વાળી જમીનમાં જે-તે વહીવટદાર, પ્રમુખ, ટ્રસ્ટી કે સંચાલક દ્વારા સરકારની પૂર્વ મંજૂરી વગર સરકારી જમીનનો અનધિકૃત રીતે કબજો કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે અંગે નોંધ લેવા ભાણવડના મામલતદારની એક યાદીમાં જણાવાયું છે.
