ટંકારા તાલુકામાં ખેડૂતોની જાણ બહાર વીજ પોલ માટે બારોબાર સંમતિ અપાઈ જતાં હોબાળો

ટંકારામાં વિજ પોલ ઊભા કરવા બાબતે વહીવટી તંત્રની ગંભીર વિસંગતતા અને અણઘડ વહીવટ સામે આવ્યો છે. તંત્ર દ્વારા લેવાયેલા એકતરફી નિર્ણયોને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે…

ટંકારામાં વિજ પોલ ઊભા કરવા બાબતે વહીવટી તંત્રની ગંભીર વિસંગતતા અને અણઘડ વહીવટ સામે આવ્યો છે. તંત્ર દ્વારા લેવાયેલા એકતરફી નિર્ણયોને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે, વહીવટી તંત્ર કાં તો વ્યવહારિક આંધળાપાટા રમી રહ્યું છે અથવા તો જાણી જોઈને જગતના તાતને અંધારામાં રાખીને મોટો ખેલ પાડી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ટંકારા શહેરમાં વિજ પોલ મામલે અત્યાર સુધી માત્ર 20 ખેડૂતોને જ સત્તાવાર નોટિસ આપીને તેમની સુનવણી કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, વહીવટી તંત્રના સત્તાવાર સંમતિપત્રકમાં ટંકારા નગરપાલિકા વિસ્તારના અન્ય 10થી વધુ એવા ખેડૂતોના નામો પણ સામેલ થઈ ગયા છે જેમને ન તો કોઈ નોટિસ મળી છે કે ન તો જેમની કોઈ સુનવણી થઈ છે. જે ખેડૂતોને નોટિસ જ નથી મળી, જેમની સુનવણી જ નથી થઈ, તેમના નામ સંમતિપત્રકમાં કઈ રીતે અને કોના ઈશારે આવી ગયા? તેવા સવાલો ઉઠયા છે.

ટંકારા ખાતે વિજ પોલ વિવાદના ઉકેલ માટે સરકારના નવા પરિપત્રની અમલવારી કરવાના ભાગરૂૂપે વહીવટી તંત્ર દ્વારા ‘માર્કેટ રેટ કમિટી’ બનાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. જો કે, ટંકારાના સજાગ ખેડૂતોએ આ કમિટી સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ખેડૂતોએ તંત્ર સાથે સંવાદ કરવાની પણ તસ્દી લીધી ન હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, જ્યારે સરકારનો આ નવો પરિપત્ર જ અમને મંજૂર નથી, તો પછી તેના હેઠળ બનનારી કમિટીનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પરિણામે, માર્કેટ રેટ કમિટીની બેઠકમાં કોઈ સભ્ય ફરક્યું પણ ન હતું અને તંત્રની આ કવાયત નિષ્ફળ સાબિત થઈ હતી.

વહીવટી તંત્રની આવી જોહુકમી અને વિસંગતતાઓ સામે ટંકારાના ખેડૂતોએ એકજુથ થઈને મક્કમ વલણ અપનાવ્યું છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અન્યાય સામે નમશે નહીં. આ લડતમાં તેઓ અડીખમ રહીને ‘જેતપુર છાવણી’ દ્વારા જે પણ સામૂહિક નિર્ણય લેવામાં આવશે, તેને જ સર્વોપરી ગણીને આગળની રણનીતિ નક્કી કરશે.

હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોના આ ઉગ્ર વિરોધ અને વહીવટી તંત્રની આ ખુલ્લી પડેલી વિસંગતતાઓ બાદ ઉચ્ચ અધિકારીઓ આ મામલે કેવા પગલાં ભરે છે અને ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *