જીયાણાના મહિલા પોસ્ટ માસ્તરનો અધિકારી અને ગામના શખ્સોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ

શહેરના 150 ફૂટ રીંગરોડ પર ચંદ્રપાર્કમાં રહેતા અને જીયાણા ગામના મહિલા પોસ્ટ માસ્તરે નોકરી દરમિયાન સ્થાનિક લોકોના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા…

શહેરના 150 ફૂટ રીંગરોડ પર ચંદ્રપાર્કમાં રહેતા અને જીયાણા ગામના મહિલા પોસ્ટ માસ્તરે નોકરી દરમિયાન સ્થાનિક લોકોના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહિલાને તેના ઉચ્ચ અધિકારીઓ પણ સતત ત્રાસ આપતા હોય જેથી આ પગલું ભરી લીધાનો તેના પિતાએ આક્ષેપ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ પર બીગ બજાર પાછળ આવેલ ચંદ્ર પાર્કમાં રહેતા અને જીયાણા ગામની પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા ધૈર્યાબેન વિજયભાઇ ગોકાણી (ઉ.વ.30)એ ગઈકાલે બપોરે પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું. જેથી તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરી હતી.
પીડિત મહિલાના પિતા વિજયભાઈ ગોકાણીના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીને નોકરી દરમિયાન સ્થાનિક શખ્સો દ્વારા અવારનવાર હેરાન કરવામાં આવતી હતી. ગત તારીખ 3 ના રોજ મકાન માલિક સુરેશ અને તેની પત્નીએ પોસ્ટ ઓફિસને તાળા મારી દીધા હતા, અને તાળા ખોલવા જતાં ધૈર્યાબેનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા, જે અંગે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. આ ઉપરાંત, ઓફિસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન ન આપીને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે.

અગાઉ કેટલાક શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ધૈર્યાબેને પોલીસ કમિશનરને રક્ષણ મેળવવા માટે અરજી પણ કરી હતી. સતત ભય અને ચિંતાના માહોલમાં આવી જતાં અંતે તેમણે આ પગલું ભરી લીધું હતું. હાલ આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *