ચૂંટણીમાં 10% અનામત માગતો સવર્ણ સમાજ, સરકારને નવી ચિંતા

આર્થિક પછાત વર્ગ માટે અનામત લાગુ કરવા સરકારને અલ્ટીમેટમ, સવર્ણ જ્ઞાતિઓ એક મંચ પર આવતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે વધુ…

આર્થિક પછાત વર્ગ માટે અનામત લાગુ કરવા સરકારને અલ્ટીમેટમ, સવર્ણ જ્ઞાતિઓ એક મંચ પર આવતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે વધુ એક વખત અનામતનો મુદ્દો ઉઠયો છે અને ઓબીસી અનામત વધાર્યા બાદ હવે આર્થિક રીતે પછાત વર્ગને પણ ચૂંટણીમાં અનામત આપવા માંગણી કરવામાં આવતાં રાજકારણ ગરમાયું છે.

સવર્ણ સમાજે એક મંચ પર આવી રાજકીય અનામતની માંગને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે. ગાંધીનગરમાં સવર્ણ સમાજોના અગ્રણીઓએ એક મંચ પર આવીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 ટકા અનામત લાગુ કરવા રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમાય તેવી શક્યતા છે. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાતમાં જાતિવાદ ચરમસીમાએ છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ રાજ્ય સરકારે ઓબીસી સમાજો માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત 10 ટકા વધારીને 27 ટકા કરી છે.
તેના કારણે પાટીદાર, બ્રાહ્મણ અને ક્ષત્રિચ જેવા સવર્ણ સમાજની સત્તામાં ભાગીદારી ઘટે તેવી શક્યતા છે. તેથી EWS રાજકીય અનામતની માગણીને લઈ સવર્ણ સમાજો એક થયા છે. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના અગ્રણીઓએ બેઠક કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 ટકા EWS અનામત આપવા રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.

આ બેઠકમાં સવર્ણ સમાજના અગ્રણીઓએ માગ કરી કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10 ટકા EWS અનામત તાત્કાલિક અમલમાં મૂકાય. શિક્ષણ અને નોકરીમાં EWS અનામત છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેમ નહીં? તેવા સવાલ સવર્ણ સમાજના આગેવાનોએ કર્યા હતા.

પાટીદાર અનામત આંદોલન બાદ સવર્ણ સમાજને આર્થિક રીતે નબળા વર્ગ તરીકે માન્યતા મળી છે, પરંતુ રાજકીય અનામતના અભાવે તેઓને પ્રતિનિધિત્વ મળતું નથી. ચૂંટણી પહેલા મુદ્દો તેજ થતાં રાજ્યની ભાજપ સરકાર અને રાજકીય પક્ષો ઉપર દબાણ વધ્યું છે. EWS અનામત અમલી ન બને તો સવર્ણ સમાજે આંદોલન કરવાની ચીમકી આપી છે.

ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત બિન-અનામત વર્ગના આગેવાનોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં EWS માટે 10 ટકા રાજકીય અનામત લાગુ કરવાની માંગ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જાહેર કરાયેલા રોસ્ટરમાં ગંભીર ખામીઓ હોવાનું અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થયું હોવાનો આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. આડેધડ રીતે બેઠકોની ફાળવણીથી સામાજિક ન્યાયને આંચ આવી રહી હોવાની સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત 182 ધારાસભ્યો અને સાંસદો પાસેથી સમર્થન માગવાનો તેમજ સમર્થન ન આપનાર ધારાસભ્યો અને સાંસદોના નામ જાહેર કરવાની પણ ચેતવણી આપી હતી.

પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ સરકારને સીધી ચીમકી આપતા જણાવ્યું હતું કે, અમે સહીઓ સાથે સરકારમાં લેખિત રજૂઆત કરવાના છીએ. જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ સ્વીકારવામાં નહીં આવે, તો સવર્ણ સમાજ ચૂંટણીમાં પોતાનો પરચો બતાવશે. ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ પણ આ માગને ક્ષત્રિય સમાજનું સંપૂર્ણ સમર્થન હોવાનું જાહેર કર્યું છે.

109 જ્ઞાતિની સંયુકત સમિતિ બનશે, સાંસદો-ધારાસભ્યોને અપાશે આવેદન
બેઠકમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત વિવિધ સવર્ણ જ્ઞાતિના આગેવાનો એક મંચ પર એકઠા થયા હતા. આ આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે 109 જ્ઞાતિઓની એક સંયુક્ત કમિટી બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં દરેક સમાજના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ આપવામાં આવશે. આ સાથે જ આગામી દિવસોમાં તમામ ધારાસભ્યો અને સાંસદોને લેખિતમાં આવેદનપત્ર આપી સરકાર પર દબાણ વધારવાની વ્યૂહરચના પણ ઘડવામાં આવી છે.

ઝવેરીપંચની ભલામણોના અમલમાં ગેરરીતિનો આક્ષેપ
બેઠકમાં માત્ર EWS અનામત જ નહીં, પરંતુ ઝવેરી પંચની ભલામણો પર પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આગેવાનોનું કહેવું છે કે ઝવેરી પંચની ભલામણો લાગુ કરવામાં મોટી ગેરરીતિ થઈ છે, જેથી હવે સરકારમાં રોસ્ટર પદ્ધતિ યોગ્ય રીતે લાગુ કરવાની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત, બ્લોકમાં વસ્તીના ધોરણે અનામતની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત પણ આગામી સમયમાં જોરશોરથી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *