જંગલેશ્ર્વરમાંથી 17 કિલો ગાંજા સાથે ઉપલેટાનો પેડલર પકડાયો

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી નેસ્તનાબૂદ કરવા માટે ‘SAY NO TO DRUGS’ નામની…

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી નેસ્તનાબૂદ કરવા માટે ‘SAY NO TO DRUGS’ નામની ખાસ ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં NDPS સેલની રચના કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ નશીલા પદાર્થોનું વેચાણ અને સંગ્રહ કરતા ઇસમો પર અંકુશ મેળવવાનો છે. આ સૂચનાઓના આધારે ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર જગદીશ બાંગરવા, નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ અને મદદનીશ પોલીસ કમિશનર બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હતી.

આ કામગીરી દરમિયાન ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ લાલજીભાઈ મકવાણાને ચોક્કસ બાતમી મળી હતી કે જંગલેશ્વર વિસ્તારમાં માદક પદાર્થનો જથ્થો લાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે જંગલેશ્વર આર.એમ.સી. ક્વાર્ટર બ્લોક નં. 9 અને 14 પાસે જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી મુસ્તકીમ શોકતભાઈ બુખારી (ઉંમર 21, રહે. ઉપલેટા, સ્મશાન રોડ) નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસેથી પોલીસે 1.732 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂૂ. 86,600 જેટલી થાય છે. આ ઉપરાંત તેની પાસેથી રૂૂ. 670 રોકડા મળી કુલ રૂૂ. 87,270નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપી મુસ્તકીમ બુખારીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા માલૂમ પડ્યું છે કે તે અગાઉ પણ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 અને 2025માં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો છે. આ જથ્થો ગાંજો જ હોવાની ખાતરી કરવા માટે ઋજક અધિકારી કે.એમ. તાવીયાની મદદ લેવામાં આવી હતી, જેમણે પ્રાથમિક તપાસ બાદ આ પદાર્થ ગાંજો હોવાનો અભિપ્રાય આપ્યો હતો. આ સફળ કામગીરી ભક્તિનગર પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પો.સબ.ઇન્સ. જે.જે. ગોહીલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *