હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આજરોજ બુધવાર તા. 31 થી ગુરૂૂવાર તા. 1 જાન્યુઆરીના રોજ રાજયના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવા. માર્કેટિંગ યાર્ડમાં વેપારી અને ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેત પેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા, તેમજ અહીં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવાયું છે.
આ અંગે વધુ જાણકારી જે-તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), ઊંટઊં અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800 180 1551 પર સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
