હાલારમાં તોફાની પવન અને કરા સાથે કમોસમી વરસાદ

જોડીયામાં 4 મી.મી. અને ધ્રોલમાં 3 મી.મી. વરસાદ નોંધાયો: આજે પણ વરસાદી માહોલ: ભારે પવનથી પતરાં ઉડ્યા, અનેક વિસ્તારમાં અંધારપટ સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર…

જોડીયામાં 4 મી.મી. અને ધ્રોલમાં 3 મી.મી. વરસાદ નોંધાયો: આજે પણ વરસાદી માહોલ: ભારે પવનથી પતરાં ઉડ્યા, અનેક વિસ્તારમાં અંધારપટ

સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ગઈકાલે રાત્રે વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો, અને કમોસમી વરસાદે ગાજવીજ સાથે અનેક વિસ્તારોને ધમરોળ્યા હતા. ખાસ કરીને કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તો વરસાદની સાથે બરફના કરા પણ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. ગઈકાલે રાત્રિના 11.00 વાગ્યા બાદ એકાએક ભારે પવન ફૂંકાવાનો શરૂૂ થયો હતો. સુસવાટા મારતા પવનની ગતિ એટલી તેજ હતી કે કાગળ-કચરાની સાથે અનેક જગ્યાએ હળવા પતરા પણ ઉડ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

પવનના સુસવાટા બાદ રાત્રિના બાર વાગ્યાના અરસામાં જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું શરૂૂ થયું હતું. જોકે, આ ઝાપટું માત્ર દસેક મિનિટ સુધી જ ચાલ્યું હતું, પરંતુ તેની અસર વ્યાપક હતી. તોફાની પવન અને વરસાદના કારણે શહેરના અડધા ભાગમાં વીજ પુરવઠો એકાએક ખોરવાઈ ગયો હતો. વરસાદી પવનના કારણે આવેલા ટ્રિપિંગના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી, જોકે વીજ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવતા લગભગ 20 મિનિટના ગાળામાં જ એક પછી એક તમામ ફીડર પુન: ચાલુ કરી દેવાયા હતા અને વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો.

જામનગર શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂૂમ તરફથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, જોડીયા પંથકમાં ગઈકાલે રાત્રિના વરસાદ દરમિયાન 4 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ જ રીતે, ધ્રોળ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલે રાત્રે જોરદાર વરસાદ પડી ગયો હતો. ધ્રોળમાં કુલ ત્રણ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું કંટ્રોલ રૂૂમ દ્વારા જણાવાયું છે.

સૌથી વધુ અસર કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી હતી જ્યાં કમોસમી વરસાદની સાથે બરફના કરા પણ પડ્યા હતા. બાલંભડી, નિકાવા, આણંદપર, પાતામેઘપર, શિશાંગ સહિતના અનેક ગામોમાં માવઠાની અસર જોવા મળી હતી અને અમુક જગ્યાએ તો મોટા કદના બરફના કરા પડવાથી ઉભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.આજે સવારથી પણ સમગ્ર જામનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આકાશમાં કાળા વાદળો છવાયેલા છે અને ક્યાંક ક્યાંક તોફાની પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જોકે, મેઘરાજાએ હજુ સુધી ફરીથી એન્ટ્રી કરી નથી. વરસાદી વાતાવરણ સર્જાવાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી આકરી ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી છે. કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ખેડૂતોમાં પાકના નુકસાન અંગે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આવા વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *